ચિલોડાના ચંદ્રાલા નાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન પિસ્ટલ-બે તમંચા અને 26 કારતૂસ મળ્યા
- કેરળનો શખસ લકઝરી બસમાં હથિયારો લાવતા પકડાયો
- હથિયારોની ડિલિવરી કોને કરવાની હતી તે અંગે પોલીસે હાથ ધરી તપાસ
- આરોપી પાસેથી બે પાસપોર્ટ પણ મળી આવ્યા
ગાંધીનગરઃ જિલ્લામાં પોલીસ વડાની સુચનાથી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દરમિયાન ચીલોડા પોલીસે ચંદ્રાલા ગામના નાકા નજીક હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. રાજસ્થાન તરફથી આવેલી લકઝરી બસના પ્રવાસીઓના માલ-સામાનના ચેકિંગ કરવામાં આવ્યુ હતું ત્યારે એર પ્રવાસી પાસેથી એક પિસ્ટલ, બે દેશી તમંચા અને 26 જીવતા કારતૂસ મળી આવતા હથિયારો જપ્ત કરીને પ્રવાસી એવા કેરળના શખસની પોલીસે ધરપકડ કરી છે. .
જિલ્લાના ચિલોડો પોલીસ દ્વારા ચંદ્રાલા ગામ પાસે આગમન હોટલ સામેના હિંમતનગર હાઇવે પર નાકા પોઇન્ટ ખાતે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યુ હતું. તે દરમિયાન પોલીસે વૈષ્ણવ ટ્રાવેલ્સની બસને રોકીને તપાસ કરી હતી. તમામ પ્રવાસીઓના માલ-સામનની તલાશી લેતા એક પ્રવાસીની બેગમાંથી એક પિસ્ટલ, બે દેશી તમંચા અને 26 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આરોપીની ઓળખ ઉન્ની ક્રિષ્નન પામનન ( ઉ.વ. 40) તરીકે થઈ છે. તે કાસરગોડ, કેરળનો રહેવાસી છે. જપ્ત કરાયેલી પિસ્ટલ અમેરિકન બનાવટની માઉઝર છે. પોલીસે આરોપી પાસેથી હથિયારો, કારતૂસ, મોબાઇલ અને બે પાસપોર્ટ સહિત કુલ 42,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી કોને ડિલિવરી કરવાનો હતો. અને હથિયારો ક્યાંથી લાવ્યો છે. તેની તપાસ હાથ ધરી છે.ગાંધીનગર પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના આદેશ મુજબ જિલ્લાના તમામ નાકા પોઈન્ટ પર સઘન વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. ચીલોડા પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે.