વ્યક્તિગત ધાર્મિક આસ્થા આધારે રેજિમેન્ટના ધર્મસ્થળમાં નહીં જનાર વ્યક્તિ સેનામાં રહેવા યોગ્ય નથીઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટએ એક કેસમાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું છે કે ભારતીય સેના સંપૂર્ણપણે ધાર્મનિરપેક્ષ છે અને ત્યાં સર્વોચ્ચ મહત્વ અનુશાસનનું છે. વ્યક્તિગત ધાર્મિક આસ્થા આધારે રેજિમેન્ટના ધર્મસ્થળમાં જવાનું નકારનાર વ્યક્તિ સેનામાં રહેવા યોગ્ય નથી. આ સ્પષ્ટ અવલોકનો સાથે, મુખ્ય ન્યાયાધીશ સુર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેંચે સેનામાંથી બરખાસ્ત કરવામાં આવેલા એક અધિકારી સેમ્યુઅલ કમલેસનની અરજીને ફગાવી દીધી હતી.
કેસની હકીકત અનુસાર, સેમ્યુઅલ કમલેસનનીં 2017માં થર્ડ કૈવેલરી રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ તરીકે નિમણૂક થઈ હતી. આ રેજિમેન્ટમાં મુખ્યત્વે સીખ, જાટ અને રાજપૂત સૈનિકો છે. તેમને સ્ક્વાડ્રન–બીના ટ્રૂપ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જેમાં મુખ્યત્વે સીખ સિપાહીઓનો સમાવેશ થાય છે. રેજિમેન્ટની માર્ગદર્શિકા પ્રમાણે દર અઠવાડિયે સૈનિકો ધાર્મિક પરેડમાં ભાગ લે છે અને રેજિમેન્ટના ધર્મસ્થળ પર જાય છે. પરંતુ સેમ્યુઅલે ઈસાઈ ધર્મનું કારણ આપીને આ ધાર્મિક પરેડમાં જવાનું નકારી દીધું હતું. તેમનું કહેવું હતું કે રેજિમેન્ટમાં માત્ર મંદિર અને ગુરુદ્વારા છે, જેમાં તેઓ ઈસાઈ હોવાને કારણે પ્રવેશ નહીં કરે. જોકે, સેનાએ ઘણીવાર તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. બીજા ઈસાઈ અધિકારીઓએ પણ તેમને સમજાવ્યું કે, આ પરેડમાં ભાગ લેવો ધાર્મિક વિધિ નહીં પરંતુ સેના શિસ્તનો ભાગ છે. સ્થાનિક પાદરીએ પણ સમજાવ્યું કે, આવા સામૂહિક ધર્મસ્થળે જવાથી ઈસાઈ ધાર્મિક માન્યતાઓને કોઈ હાનિ થતી નથી. પરંતુ તમામ સમજાવટો નિષ્ફળ જતાં, નિયમોનું ઉલ્લંઘન અને અનુશાસનભંગને આધારે 3 માર્ચ 2021ના રોજ થલસેના પ્રમુખના આદેશથી તેમને સેવામાંથી દૂર કરવામાં આવ્યા હતા. તેમજ તેમને પેન્શન અને ગ્રેટ્યુઇટીની પણ મંજૂરી આપવામાં આવી નહોતી.
સેમ્યુઅલ કમલેસને બરખાસ્તગી સામે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ વર્ષે મે મહિનામાં જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ શાલિંદર કૌરની બેંચે બરખાસ્તગી યોગ્ય ગણાવી હતી. હાઈકોર્ટએ સ્પષ્ટ કર્યું કે સશસ્ત્ર દળો તેમની યુનિફોર્મ દ્વારા એક છે, ધર્મ દ્વારા નથી. પ્રશ્ન ધાર્મિક સ્વતંત્રતાનો નહીં પરંતુ માન્ય અને યોગ્ય આદેશોનું પાલન કરવાનો છે. હવે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે, સેમ્યુઅલે માત્ર અનુશાસનહીનતા જ નહીં કરી, પરંતુ તેમના વર્તનથી રેજિમેન્ટના સાથીઓની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડી છે.