રાજકોટમાં એસટી બસ સ્ટેશનની બહાર નિકળતી બસની અડફેટે પ્રવાસીનું મોત
- એસટી બસની બ્રેક ફેઈલ થતા બસ પિલ્લર સાથે અથડાઈ,
- પ્રવાસીને માથાના ભાગે ઈજા થતા ઘટનાસ્થળે મોત,
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટઃ શહેરના એસટી બસ સ્ટેશનની બહાર નીકળતા રાજકોટ-બરવાળા રૂટની એસટી બસે એક પ્રવાસીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. આ બનાવથી આજુબાજુના લોકો અને પ્રવાસીઓ એકઠા તઈ ગયા હતા. અને પોલીસને જાણ કરાતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ બનાવમાં એસટી બસના ડ્રાઈવરે બસની બ્રેક ફેલ થતા આ બનાવ બન્યો હોવાનું કહેતા પોલીસે તપાસ હાથ ધરી છે. એસટીના મિકેનિકલ વિભાગ દ્વારા પણ ખરેખર બસની બ્રેક ફેલ હતી કે કેમ તેની કપાસ કરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, રાજકાટના બસ સ્ટેશનમાં એસટી બસની અડફેટે એક પ્રવાસીના મોતની ગંભીર ઘટના બની છે. રાજકોટ-બરવાળા-રાજકોટ રૂટની એસટી બસ સ્ટેશનની બહાર નીકળી રહી હતી તે દરમિયાન બ્રેક ફેલ થઈ હતી અને ત્યાંથી પસાર થતા પ્રવાસીને અડફેટે લીધો હતો. ત્યાર બાદ બસ પીલર સાથે પણ અથડાઈ હતી. એસટી બસે ટક્કર મારતા પ્રવાસી પીલર સાથે અથડાઈને નીચે પટકાતા માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. જેથી ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. 108 દ્વારા મૃતક દિનેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ એસટી વિભાગના ડેપો મેનેજરે જણાવ્યું હતું કે, જસદણ ડેપોની રાજકોટ-બરવાળા રૂટની એસટી બસપોર્ટની બહાર નીકળી રહી હતી, ત્યારે અચાનક મુસાફર સામે આવી જતાં ડ્રાઈવરે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડ્રાઈવરથી બ્રેક ન લાગતા મુસાફર બસ સાથે અથડાયો હતો અને ત્યાર બાદ તેનું મોત નીપજ્યું હતું. જોકે, આ બાબતે એસટીનો મિકેનિકલ વિભાગ તપાસ કરી રહ્યો છે કે ખરેખર બસની બ્રેક ફેલ હતી કે શું?