ભાવનગરના ઘોઘા સર્કલ નજીક 6 કરોડના ખર્ચે આધૂનિક ફુડ સ્ટ્રીટ બનાવાશે
- ઘોઘા સર્કલ વિસ્તારમાં અંદાજિત 3305 ચો.મી. વિસ્તારમાં ફૂડ પાર્ક બનાવવાનું આયોજન,
- લોકોને ફ્રેશ તથા હેલ્થી ફૂડ મળી રહે તે માટે ફૂડ સ્ટ્રીટ શ્રેષ્ઠ ઉદાહરણ બનશે,
- ફૂડ સ્ટ્રીટ / ફૂડ પાર્કમાં કુલ 24 કન્ટેનર રાખવામાં આવશે,
ભાવનગરઃ શહેરના ઘોઘા સર્કલ નજીક મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રૂપિયા 6 કરોડના ખર્ચે આધૂનિક ફુડ સ્ટ્રીટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં કલીન ફૂડ હબ / ફૂડ સ્ટ્રીટ બનાવવાના કોન્સેપ્ટને ધ્યાને લઇ શહેરમાં સ્વચ્છતામાં વધારો થાય, શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને લોકોને હેલ્થી ફૂડ મળી રહે, ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય વગેરે વિવિધ હેતુઓ માટે મ્યુનિ. દ્વારા શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં ફૂડ સ્ટ્રીટ બનાવાશે શહેરીજનોના આરોગ્યને ધ્યાને લઈ ફૂડ સેફટીના ધારા-ધોરણો મુજબ લોકોને ફ્રેશ તથા હેલ્થી ફૂડ મળી રહે તે માટે ફૂડ સ્ટ્રીટ શ્રેષ્ઠ ઉદાહરણ બનશે.
આ અંગે મ્યુનિના સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન રાજુ રાબડીયા જણાવ્યું હતું કે, ભાવનગર મ્યુનિ. દ્વારા શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં અંદાજિત 3305 ચો.મી. વિસ્તારમાં ફૂડ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફૂડ સ્ટ્રીટ / ફૂડ પાર્કમાં કુલ 24 કન્ટેનર રાખવામાં આવશે તથા તે મુજબ એરીયા ફાળવવામાં આવશે, જેમાં સેન્ટ્રલ સીટીંગ એરીયા ઉપરાંત કન્ટેનરની ઉપર પણ સીટીંગ એરીયા રાખવામાં આવેલો છે, જેથી ફૂડ પાર્કમાં વધુ સ્પેસ મળી શકે. આ ફૂડ પાર્કમાં પાર્કીંગ સહિતની તમામ જરૂરી સુવિધાઓ આવરી લઈ આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં ટુ-વ્હીલર તેમજ 4-વ્હીલર પાર્કિંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સીટીંગ એરીયા (ગ્રાઉન્ડ તથા સેકન્ડ ફલોર પર), ટોઇલેટ બ્લોક વિગેરેનો સમાવેશ કરવામાં આવશે. આગામી દિવસોમાં જરૂરિયાત મુજબ શહેરમાં અન્ય સ્થળોએ પણ ફૂડ પાર્ક બનાવવા માટે આયોજન કરવામાં આવશે. ત્યારે શહેરીજનો માટેની વિવિધ સુવિધાઓના કામો તથા ઇન્ફ્રાસ્ટ્રકચરના કામો ઝડપથી તથા ગુણવત્તાસભર થાય તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.