અમદાવાદમાં જમાલપુરમાં સગીર કારચાલકે 4 વાહનો, અને બે બાળકો- મહિલાને અડફેટે લીધા
- ઇજાગ્રસ્ત બે બાળકો તેમજ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા,
- લોકોના ટોળાંઓ સગીર કારચાલકને પકડી પોલીસ હવાલે કર્યો,
- પોલીસે સગીર કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી,
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના જમાલપુર વિસ્તારમાં સર્જાયો હતો. શહેરના જમાલપુર વિસ્તારમાં એક સગીર કારચાલકે બેફામ રીતે ગાડી ચલાવીને બે નાના બાળકો અને એક મહિલા સહિત ત્રણ લોકોને અડફેટે લીધા હતા.તેમજ 4થી વધુ વાહનોને ટક્કર મારી નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત બે બાળકો તેમજ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સ્થાનિકો દ્વારા કાર ચલાવનાર સગીરને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. સગીર કારચાલકે અકસ્માત કર્યો હોવા અંગેના CCTV પણ વાયરલ થયા છે. જેમાં કારચાલક રિક્ષા સહિતના વાહનોને પણ અડફેટે લેતો નજરે પડે છે. આરોપી સગીર ચાલક વિરુદ્ધ ઈ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના જમાલપુર વિસ્તારમાં મહાજંન વંડા પાસે માનવ ચૌહાણ નામનો યુવક રહે છે. સાંજે 7.30 વાગ્યાની આસપાસ માનવ તેના બે ભાઈઓ સાથે બહારના ભાગે બેઠો હતો ત્યારે નવી મસ્જિદ તરફથી એક કારચાલક કાર ચલાવીને આવી રહ્યો હતો, કારે માનવ અને તેના ભાઈઓને ટક્કર મારી હતી. બાદમાં આગળ જતા કારચાલકે એક બહેનને પણ ટક્કર મારી હતી. જેથી, તેઓ પણ નીચે પડી ગયા હતા. માનવે તેના બે ભાઈઓને તેની માતા પાસે મૂકી અને આગળ જઈને જોતા કારચાલકે રિક્ષા અને બે અન્ય વાહનોને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. કારચાલક ત્યાં કાર મૂકી ભાગવા જતો હતો પરંતુ, સ્થાનિકોએ તેને પકડી લીધો હતો. એક મહિલા અને બે બાળકો સહિતના લોકોને ઈજા પહોંચી હતી, જેથી તેઓને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સગીર કારચાલકને પકડી લીધો બાદમાં પોલીસને જાણ કરી હતી. જેથી, પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી સગીર કારચાલકને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં શહેરના સાબરમતી રિવરફ્રન્ટ રોડ પર જમાલપુર નજીક બાઇક સ્લીપ થઈ જવાની ઘટના બની હતી. બાઈક ઉપર ત્રણ લોકો સવાર હતા ત્યારે બાઇક અચાનક સ્લીપ ખાઇ જતાં રોડ ઉપર પટકાયા હતા. એક યુવકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને પાછળ બેઠલા બે શખસોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.