પીકઅપ વાન સાઈડમાં લેવાનું કહેતા આધેડને કચડીને મોતને ઘાટ ઉતાર્યો
- સુરતના કતાર ગામમાં જાહેર રોડ પર બન્યો બનાવ,
- પીકઅપવાન ચાલકે આધેડને અડફેટે લઈને 150 ફુટ ઢસડ્યો,
- નાસી ગયેલા પીકઅપવાન ચાલકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો
સુરતઃ ગુજરાતમાં કેટલાક વાહનચાલકો નજીવી વાતે મારામારી પર ઉતરી આવતા હોય છે. તાજેતરમાં અમદાવાદમાં વાહન ધીમે ચલાવવાનું કહેતા એક યુવાનની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવ તાજો જ છે તે ત્યાં સુરતના કતારગામ વિસ્તારમાં જાહેર રોડ પર પીકઅપવાન ચાલકને તેનુ વાહન સાઈડમાં લેવાનું કહેતા ઉશ્કેરાયેલા પીકઅપવાન ચાલકે આધેડને પીકઅપ વાનની અડફેટે લઈને કચડી નાંખીને 150 મીટર ઢસડતા આધેડનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવમાં આજુબાજુના લોકોએ પીકઅપવાનને ઊભી રખાવવાના પ્રયાસો કર્યા હતા. પણ પીકઅપવાન સાથે તેનો ચાલક નાસી ગયો હતો. દરમિયાન શહેરની ક્રાઈમ બ્રાન્ચે પીકઅપવાન ચાલક મયુર મેરને પકડી પાડ્યો હતો.
સુરત શહેરના કતારગામમાં જાહેર રસ્તા પર હત્યાના બનાવના હચમચાવી નાખતા સીસીટીવી કૂટેજ પણ વાયરલ થયા હતા. પીકઅપ વાન સાઈડમાં કરવાની નજીવી બાબતે માથાકૂટ થયા બાદ આધેડ પર પીકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી. એટલેથી પણ ન અટકતા આધેડને 150 મીટર ઢસડવામાં આવ્યા હતા. જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરતના કતારગામ વિસ્તારમાં જીતેન્દ્ર કંથારિયા નામના આધેડ કે જેઓ બેંક ઓફ બરોડામાં પ્યૂન તરીકે ફરજ બજાવતા હતા. ગતરોજ કતારગામ વિસ્તારમાં આવેલા રત્નમાલા સર્કલ નજીક કાર લઈને ગયા હતા. દરમિયાન મયુર મેર નામના યુવક સાથે તેની પીકઅપ વાન સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો. પહેલા બોલા ચાલી સાથે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો હતો. દરમિયાન મયુર મેર એટલો બધો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે જીતેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઉશ્કેરાઈ ગયેલા મયુરે જીતેન્દ્ર પર પીકઅપ વાન ચડાવી દીધી હતી. જેના કારણે જીતેન્દ્ર કંથારિયા પીકઅપ વાનના આગળના ટાયરની નીચે આવી ગયા હતા. ત્યારબાદ મયુરે પીકઅપ વાનને ફુલ સ્પીડમાં દોડાવી હતી. જેના કારણે જીતેન્દ્ર પીકઅપની આગળના ટાયરની નીચે 150 મીટર જેટલા ઢસડાયા હતા. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને પીક અપ વાનનો પણ પીછો કરીને જીતેન્દ્રને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પીકઅપ વાનની નીચે ઢસડાતા આધેડને જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જેના પગલે કેટલાક લોકો તો પીક અપ વાનને અટકાવવા માટે આડા ઊભા રહી ગયા હતા. દરમિયાન જીતેન્દ્રને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ મયુર ફુલ સ્પીડમાં પીકઅપ વાનને લઈને ભાગી જવામાં સફળ થયો હતો. જોકે આ ઘટનાના પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી મયુરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે. હાલ તો આ મામલે કતારગામ પોલીસમાં ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૃતક બેંક ઓફ બરોડામાં પ્યૂન તરીકે ફરજ બજાવતા હતા વરિયાવ તાડવાડી વિસ્તારમાં 57 વર્ષીય મૃતક જીતેન્દ્રભાઈ વિશ્રામભાઈ કંથારિયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની, બે દીકરા, એક દીકરી પરિણીત છે. જીતેન્દ્રભાઈ બેંક ઓફ બરોડા બેંકમાં પ્યુન તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જીતેન્દ્રભાઈ ગતરોજ દીકરાને નોકરી પરથી લઈને ઘરે જતા હતા. દરમિયાન કતારગામ રત્નમાલા સર્કલ નજીક પીકઅપ વાન સાઈડમાં કરવાને લઈને બોલા ચાલી થયા બાદ તેમની પર પીકઅપ વાન ચડાવીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે કતારગામ પોલીસમાં એટ્રોસિટી હત્યા અને હિટ એન્ડ રનનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કતારગામ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.