પાટનગર ગાંધીનગરમાં દબાણો હટાવવા મેગા ઝૂંબેશ હાથ ધરાશે
- શહેરના તમામ સેક્ટર અને નવા ભળેલા વિસ્તારોમાં દબાણો દુર કરાશે
- 1400 જેટલા ઝૂપડા અને લારી-ગલ્લા સહિત યાદી તૈયાર કરાઈ
- પાટનગર યોજના વિભાગની 30 ટીમો પોલીસ બંદોબસ્ત સાથે મેગા ઓપરેશન કરશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં 30 જેટલા સેક્ટર તેમજ મ્યુનિમાં ભળેલા વિસ્તારોમાં અનેક ગેરકાયદે દબાણો થયેલા છે. પાટનગર યોજના વિભાગ અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. અને હવે દબાણો હટાવવા માટે મેગા ઓપરેશન હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી એક સપ્તાહ સુધી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
પાટનગર યોજના વિભાગે ગાંધીનગરને દબાણમુક્ત કરવા મેગા ઓપરેશન હાથ ધરવાનો નિર્ણય કર્યા બાદ આજથી એટલે કે તા. 21થી 26 એપ્રિલ સુધી દબાણો હટાવવાની કાર્યવાહી કરાશે. શહેરના 30 સેક્ટર અને 7 શહેરી ગામોમાં દબાણો દૂર કરાશે. પાટનગર યોજના વિભાગે 30 ટીમો બનાવી છે. દરેક ટીમ સાથે બુલડોઝર અને પોલીસ બંદોબસ્ત રહેશે. શહેરમાંથી કુલ 1400 જેટલા ઝુંપડા અને લારી-ગલ્લાના દબાણો હટાવવામાં આવશે.
પાટનગર ગાંધીનગરમાં જમીનની માલિકી પાટનગર યોજના વિભાગની છે. અગાઉ પણ દબાણ હટાવવાની ઝુંબેશ થઈ હતી. પરંતુ દબાણ હટાવ્યા પછી ગણતરીના કલાકોમાં જ ફરી દબાણો થઈ જતા હતા. રાજકીય દબાણ અને કેટલાક અધિકારીઓની મિલીભગતને કારણે દબાણો દૂર થતા નથી. આ વખતે સમગ્ર કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરાશે. જેથી કોઈ રાજકીય દબાણ ન આવે. વિભાગે અગાઉ દબાણમુક્ત કરેલી જગ્યાઓ પર ફેન્સિંગ કર્યું હતું. પરંતુ લોકો ફેન્સિંગ તોડીને અંદર રહેવા લાગ્યા હતા. એંગલો ચોરીને વેચી દેવાતા હતા. હવે વિભાગ સેક્ટર-6માં પ્રાયોગિક ધોરણે પ્રિકાસ્ટ વોલ બનાવશે.