યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે મીટીંગ યોજાશે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે રૂબરૂ મુલાકાતનું આયોજન કરશે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે, તેમણે ગઈકાલે રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી અને અન્ય યુરોપિયન નેતાઓ સાથે બેઠક બાદ રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી.
ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે રાષ્ટ્રપ્રમુખ પુતિન અને રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી વચ્ચે બેઠકની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્થળ પછીથી નક્કી કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ પુતિન-ઝેલેન્સકી વાટાઘાટો પછી ત્રિપક્ષીય બેઠકમાં પણ હાજરી આપશે. તેમણે કહ્યું હતું કે યુએસ ઉપ-રાષ્ટ્રપ્રમુખ જે.ડી. વાન્સ અને વિદેશ સચિવ માર્કો રુબિયો અને ખાસ દૂત સ્ટીવ વિટકોફ આ સંદર્ભમાં રશિયા અને યુક્રેન સાથે સંકલન કરી રહ્યા છે.
રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી અને યુરોપિયન નેતાઓ સાથેની મુલાકાત દરમિયાન, ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ પુતિનને ફોન કર્યો હતો જેમાં પુતિને ઝેલેન્સકીને મળવા તૈયારી દર્શાવી હતી. ગઈકાલે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી, બ્રિટિનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર, નાટો અધ્યક્ષ અને યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં યુક્રેન માટે સુરક્ષા, ગેરંટી અને યુરોપિયન દેશો દ્વારા અમેરિકા સાથે સંકલનમાં યુક્રેનને આપવામાં આવતી ગેરંટીઑ અંગે ચર્ચા કરવામાં આવી હતી.