વડોદરામાં વહેલી સવારે ફર્નિચરની દુકાનમાં લાગી ભીષણ આગ 5 કલાકે કાબુમાં આવી
- શહેરમાં ઉનાળાની ગરમીને લીધે આગના વધતા જતા બનાવો
- વડોદરામાં ફર્નિચરની દુકાનમાં લાગેલી આગ આજુબાજમાં પ્રસરી
- આગના બનાવના સ્થળેથી ગેસના બે સિલિન્ડર મળી આવ્યા
વડોદરાઃ શહેરમાં આકસ્મિક આગના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક આગનો બનાવ બન્યો હતો. આજે વહેલી સવારે શહેરના સોમા તળાવ ગણેશનગર વિસ્તારમાં ફર્નિચર અને લાકડાની દુકાનમાં લાગેલી આગ આજુબાજુની ત્રણ દુકાનમાં પ્રસારી હતી. આગે જોત જોતામાં ભીષણ રૂપ ધારણ કરતા વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની એક બાદ એક સાત ફાયર સ્ટેશનની 12 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા શહેરમાં આજે વહેલી સવારે સોમા તળાવ ગણેશનગર વિસ્તારમાં ફર્નિચર અને લાકડાની દુકાનમાં લાગેલી આગ આજુબાજુની ત્રણ દુકાનમાં પ્રસારી હતી. આ બનાવમાં આગ વેસ્ટ ફર્નિચરનો વેપાર કરતા વેપારીની ત્રણ દુકાનમાં પ્રસરતા વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જેને લઈ આસપાસના લોકોના જીવ તળાવે ચોંટ્યા હતા. વહેલી સવારે ફાયરની ગાડીઓના સાયરન ગુંજતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ આગના બનાવને લઈ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની દાંડિયાબજાર, વડીવાડી, પાણીગેટ, ગાજરાવાડી, વાસણા, જીઆઇડીસી, ટીપી 13 ફાયર સ્ટેશનની 12 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. પતરાનો શેડ તોડી અને આગને કાબૂમાં લીધી હતી.
આ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ આગ લાગી હોવાનો કોલ ગત રાતે રાત્રે ત્રણ વાગ્યે મળ્યો હતો. એક બાદ એક ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાકડાના ફર્નિચરના વેસ્ટ મટીરીયલમાં લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કરતા ત્રણ દુકાનમાં આગ પ્રસરી હતી. પાંચ કલાકની ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. અહીંયા પતરાના શેડ હોવાથી તેને હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી અને ત્યારબાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ બનાવ સ્થળેથી બે સિલેન્ડર મળી આવ્યા હતા.