પોરબંદરના દરિયામાં ચોખા ભરેલા માલવાહક જહાજમાં લાગી ભીષણ આગ, 14 ખલાસીને બચાવાયા
- 950 ટન ચોખા, 78 ટન ખાંડ ભરેલી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું,
- જહાજ સોમાલિયા જતું હતું ત્યારે જ અચાનક આગ લાગતા અફરાતફરી મચી,
- પોર્ટથી જહાજને દરિયાના મધ્ય ભાગમાં દૂર ખસેડવામાં આવ્યું,
પોરબંદરઃ શહેર નજીક આવેલા ઓલવેધર પોર્ટ પર આજે સોમવારે સવારે એક માલવાહક જહાજમાં ભીષણ આગ લાગતા અફડા-તફડી મતી ગઈ હતી. આ જહાજ 950 ટન ચોખા અને 78 ટન ખાંડ ભરીને સોમાલિયા જવા રવાના થવાનું હતું. આગ લાગતાં જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેને પગલે 14 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા હતા.
આ બનાવની વિગતો એવી છે કે, પોરબંદરના ઓલવેધર બંદર પર ચોખા અને ખાંડ ભરેલા જહાજમાં ભીષણ આગ લાગી હતી આ જહાંજ સોમાલિયા લઈ જવા તૈયારીઓ ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક જહાજમાં આગ લાગતા અફરાતફડી મચી હતી. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગ, કોસ્ટગાર્ડ અને પોર્ટ સત્તાવાળાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
કોસ્ટગાર્ડના સૂત્રોના કહેવા મુજબ જામનગરના PDI 1383 ‘હરિદર્શન’ નામના જહાજમાં ચોખા અને ખાંડ જેવો જ્વલનશીલ માલ ભરેલો હતો, તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ માલસામાનને કારણે આગે ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, અને તેની જ્વાળાઓ દૂર સુધી દેખાઈ રહી હતી. સલામતીના ભાગરૂપે જહાજને તાત્કાલિક પોર્ટથી દૂર દરિયામાં લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે, પરંતુ આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. જહાજમાં મોટી માત્રામાં ચોખાનો જથ્થો ભરવામાં આવ્યો હતો. આગના કારણે ચોખાનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો, જ્યારે જહાજના અમુક ભાગો પણ આગની લપેટમાં આવી ગયા હતા. આગ ફેલાવાની શક્યતાને કારણે જહાજને દરિયાના મધ્ય ભાગમાં દૂર ખસેડવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાને કારણે જહાજને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અંદાજ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આગની શરૂઆત જહાજના એન્જિન રૂમમાંથી થઈ હતી.