For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના બાપુનગરમાં 14 દૂકાનોમાં વહેલી સવારે લાગી ભીષણ આગ

04:56 PM Oct 17, 2025 IST | Vinayak Barot
અમદાવાદના બાપુનગરમાં 14 દૂકાનોમાં વહેલી સવારે લાગી ભીષણ આગ
Advertisement
  • બાપુનગરના ભીડભંજન હનુમાન રોડ પર 14 દૂકાનો આગમાં લપેટાઈ,
  • 14 દૂકાનોમાં કપડાં-ચંપલ સહિત લાખોનો માલ બળીને ખાક,
  • ફાયરબ્રિગેડે એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી

અમદાવાદઃ  શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર ચાર રસ્તા નજીક આવેલી 14 દુકાનોમાં આજે વહેલી સવારે આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ લાગ્યાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની 8 ગાડીઓ સાથે ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા. અને એક કલાક સુધી પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આગમાં 14 દૂકાનોમાં કપડા-બુટ-ચંપલ સહિતનો માલ ભસ્મીભૂત બન્યો હતો.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર બાપુનગર ચાર રસ્તા તરફ જતા બજારમાં આવેલી દુકાનોમાં આગ લાગવાની ઘટના બની છે, આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડની 8 ગાડી સાથે ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી, શરૂઆતમાં પાંચથી સાત દુકાનોમાં આગ પ્રસરી હતી અને ત્યારબાદ આજુબાજુની દૂકાનોમાં આગ પ્રસરી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ શહેરના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી દૂકાનોમાં આગ લાગ્યાનો વહેલી સવારે કોલ મળ્યો હતો, અને ફાયરની ટીમો ત્વરિત દોડી ગઈ હતી. એક બાદ એક તમામ દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી. કપડાં, ચપ્પલ અને અન્ય ચીજવસ્તુઓની દુકાન હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી હતી. આગમાં કુલ 12 જેટલી દુકાનો સંપૂર્ણપણે બળી ગઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે, જ્યારે બે દુકાન અડધી બળી ગઈ છે. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વેપારીઓને દિવાળીના સમયે જ મોટું નુક્સાન થયું છે. આગ લાગવાનું હજી કારણ જાણવા મળ્યું નથી.

Advertisement

શહેરના પૂર્વ વિસ્તારમાં બાપુનગર ભીડભંજન બજાર ખરીદી માટેનું સૌથી મોટું બજાર કહેવામાં આવે છે બાપુનગર ચાર રસ્તાથી લઈને હનુમાન મંદિર ચાર રસ્તા સુધી બંને તરફ 100 જેટલી દુકાનો આવેલી છે, જેમાં કપડાં, ચંપલ, ઘરવખરીની ચીજવસ્તુઓ, ખાણીપીણી વગેરેની દુકાનો છે અને દિવાળીનો તહેવાર હોવાના પગલે બજારમાં સાંજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે વહેલી સવારે આગ લાગતાં કોઈ જાનહાનિ થઈ નથી. જો સાંજના સમયે ઘટના બની હોત તો ખૂબ મોટી દોડધામ થઈ હોત.

Advertisement
Tags :
Advertisement