દાહોદના NTPC કંપનીના સોલાર પ્લાન્ટમાં લાગી ભીષણ આગ
- દાહોદ અને ઝાલોદના ફાયર ફાઈટરોએ રાતભર પાણીનો મારો ચલાવ્યો
- તમામ કર્મચારીઓ દોડીને બહાર નિકળી જતાં જાનહાની ટળી
- આગથી કંપનીને 400 કરોડના નુકશાનીનો અંદાજ
દાહોદઃ શહેરના ભાટીવાડા વિસ્તારમાં આવેલા NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં ગત રાતે આગ લાગી હતી. અને આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આ આગના બનાવની જાણ થતાં દાહોદ અને ઝાલોદથી ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને આખી રાત સતત પાણીનો મારો ચલાવીને આગ પર માંડ માંડ કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કંપનીને 400 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
આ બનાવની વિગતો એવી છે કે, દાહોદના ભાટીવાડા વિસ્તારમાં NTPC કંપનીના સોલાર પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે. જેમાં કોઈ કારણોસર ગઈરાતે આગ ફાટી નિકળી હતી. અને આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ થતાં દાહોદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સિક્યોરિટી ગાર્ડ સહિતના તમામ કર્મચારીઓને સમયસર સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આથી કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની ગંભીરતાને જોતા દાહોદના એસપી, ડીવાયએસપી અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે વિસ્તારને સુરક્ષિત કરી ફાયર વિભાગને મદદ કરી હતી. ફાયર વિભાગના જવાનોએ રાતભર પાણીનો સતત મારો ચલાવીને સવાર સુધીમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક અંદાજ મુજબ આગથી કંપનીને 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મશીનરી અને સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. NTPC અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.