For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં પીએસઆઈ હોવાની ઓળખ આપીને ગરબામાં રોફ જમાવતો શખસ પકડાયો

05:18 PM Sep 24, 2025 IST | Vinayak Barot
સુરતમાં પીએસઆઈ હોવાની ઓળખ આપીને ગરબામાં રોફ જમાવતો શખસ પકડાયો
Advertisement
  • ડુમસના ગરબા ગ્રાઉન્ડમાં પીએસઆઈ હોવાની ઓળખ આપીને એન્ટ્રી લીધી,
  • નકલી પીએસઆઈ હાથમાં વોકીટોકી રાખીને ફરતો હતો,
  • મહિલા ડીસીપીની નજર જતા નકલી પીએસઆઈ પકડાયો

સુરતઃ શહેરમાં નવરાત્રિના ગરબાનું દરેક સોસાયટીઓ, પાર્ટીપ્લોટ્સ, કલબોમાં આયોજન કરાયું છે, શહેરના ડુમસમાં વાયપીડી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા નવરાત્રી મહોત્સવમાં પાસ લેવા પણ મુશ્કેલ બન્યા છે. ત્યારે એક યુવાને પોતે પીએસઆઈ હોવાથી ઓળખ આપીને વીઆઈપી ગેટથી પ્રવેશ મેળવ્યો હતો. હાથમાં બગડી ગયેલી વોકીટોકી લઈને ફરતા યુવાનને જોઈને આયોજકો પણ પીએસઆઈ માની બેઠા હતા. દરમિયાન સેકટર-7ના ડીસીપી શેફાલી બરવાલ રાઉન્ડમાં નીકળીને ગરબા સ્થળે પહોંચતા તેમની નજર હાથમાં વોકીટોકી લઈને ફરતા યુવાન પર પડી હતી. આ અંગે આયોજકોને પૂછતા તે પીએસઆઈ હોવાનું કહ્યુ હતુ. આથી ડીસીપીએ પૂછતાછ કરતા નકલી પીએસઆઈનો ભાંડો ફુટી ગયો હતો. નકલી પીએસઆઈ બનીને આવેલા યુવાનું નામ યુવરાજ નારૂ રાઠોડ (ઉં.વ. 27)  છે. અને તેના પિતા હીરાના વેપારી છે. પોલીસના જણાવ્યા મુજબ, યુવરાજ છેલ્લા બે દિવસથી આ રીતે લોકોને છેતરીને VIP એન્ટ્રી મેળવી રહ્યો હતો.

Advertisement

સુરત શહેરના ડુમસના વાયપીડી ડોમમાં ચાલી રહેલા નવરાત્રિમાં ડીસીપી  શેફાલી બરવાલ રૂટિન વિઝિટ પર હતા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા હતા. ત્યારે તેમની નજર એક એવા શખ્સ પર પડી જે સામાન્ય નાગરિક હોવા છતાં પોલીસ અધિકારીઓની સાથે ઊભા રહીને પોતાની એક અલગ છાપ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેના વર્તન પર શંકા જતાં ડીસીપીએ આયોજકોને પૂછપરછ કરી. આયોજકોએ જણાવ્યું કે, આ વ્યક્તિ પોતાની ઓળખ એક પોલીસ અધિકારી તરીકે આપી રહ્યો હતો અને કહેતો હતો કે તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓનો પરિચિત છે. આ વાત સાંભળીને ડીસીપી  શેફાલી બરવાલે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. તેમણે પોલીસ કર્મચારીઓને આ શખ્સની ઊંડાણપૂર્વક તપાસ કરવા આદેશ આપ્યો હતો.

પોલીસે તપાસ કરતાં પોલીસના સ્વાંગમાં પકડાયેલા યુવાનની ઓળખ યુવરાજ નારૂ રાઠોડ (ઉં.વ. 27, રહે. વરાછા, મૂળ ભાવનગર) તરીકે થઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે યુવરાજના પિતા હીરાના કારખાના ચલાવે છે, તેમ છતાં તેણે આ પ્રકારની પ્રવૃત્તિ કરી હતી. તેના મોબાઇલ ફોનમાં સેલિબ્રિટી અને પોલીસ અધિકારીઓ સાથેના ફોટા પણ મળી આવ્યા, જેના આધારે તે લોકોને પોતાની પહોંચનો પ્રભાવ બતાવતો હતો. યુવરાજની મોડસ ઓપરેન્ડી એકદમ ફિલ્મી હતી. તે અસલી પોલીસ અધિકારીઓની જેમ વાળ અને મૂછ રાખીને આવ્યો હતો. તેના હાથમાં એક વોકી-ટોકી પણ હતું, જે તે તેના હોટેલ ચલાવતા મિત્ર પાસેથી લાવ્યો હતો. જોકે, આ વોકી-ટોકી ખરાબ હાલતમાં હતું. 'હું યુવરાજસિંહ, પીએસઆઈ છું અને હાલમાં ડ્યુટી પર છું' એવું કહીને તે વાયપીડી ડોમના મુખ્ય પ્રવેશદ્વાર પરથી VIP એન્ટ્રી મેળવવામાં સફળ રહ્યો હતો. એટલું જ નહીં, તે સીધો VIP અને સેલિબ્રિટીઝ બેઠા હતા ત્યાં પહોંચી ગયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement