For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વલસાડ જિલ્લામાં હાફુસ કેરીના આંબા પર મોટી સંખ્યામાં આવ્યા મોર

05:03 PM Jan 15, 2025 IST | revoi editor
વલસાડ જિલ્લામાં હાફુસ કેરીના આંબા પર મોટી સંખ્યામાં આવ્યા મોર
Advertisement
  • વલસાડમાં 38 હજાર હેટર જમીન પર આંબાવાડીઓ મોરથી લચી પડી
  • ગત વર્ષે માવઠાને લીધે આંબા પરના મોર ખરી પડ્યા હતા
  • બે-ત્રણ મહિના વાતાવરણ સાનુકૂળ રહેશે તો કેરીનું સારૂ ઉત્પાદન થશે

વલસાડ: જિલ્લામાં કેસર કેરી અને હાફુસ કેરીની અનેક આંબાવાડીઓ આવેલી છે. હાલ જિલ્લાની આંબાવાડીઓમાં વિપુલ પ્રમાણમાં મોર આવ્યા છે. ગત વર્ષમાં જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદને લીધે આંબા પર ફૂલ આવવાની સીઝનમાં જ વરસાદી પાણીને લીધે પાકને નુકસાન પહોંચ્યું હતું. પરંતુ આ વર્ષે આંબા પર મોર પુષ્કળ પ્રમાણમાં જોવા મળ્યા છે. જેને લઈને ખેડૂતોમાં આશા બંધાઈ છે કે, કેરીનું ઉત્પાદન આ વર્ષે સારું રહેશે.

Advertisement

સૌરાષ્ટ્રમાં ગીર પંથકમાં કેસર કેરીની આંબાવાડીઓ આવેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં કેસર, હાફુસ, લંગડો દશેરી સહિત આંબાવાડીઓ આવેલી છે. સામાન્ય રીતે આંબાવાડીઓમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી, માર્ચ સુધીમાં આંબા પર ફૂલ બેસતા હોય છે અને એ ફૂલની કળીઓમાં કેરી બેસે છે. આંબા પર જેટલા વધારે મોર હોય તેટલા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન શક્ય હોય છે. મોટાભાગે હાફૂસ અને કેસર જેવી કેરીની જાતોને વાદળછાયું વાતાવરણ પણ સીધી અસર કરતું હોય છે. જેટલી વધારે પ્રમાણમાં ઠંડી હોય છે, એટલા જ પ્રમાણમાં મોર વધુ જોવા મળે છે. આંબાવાડીઓમાં ઉત્પાદન વધારવા માટે ડિસેમ્બર માસથી જ ખેડૂતો સક્રિય થઈ જતાં હોય છે. આંબે આવેલા મોર (ફ્લાવરિંગ) ને ટકાવી રાખવા માટે ઘણી જગ્યા ઉપર ખેડૂતો રાસાયણિક દવાઓનો છંટકાવ કરતા હોય છે. તો કેટલાક ગામડાઓમાં આજે પણ ઓર્ગેનિક પદ્ધતિનો ઉપયોગ આંબાવાડીઓ કરાઈ છે.

વલસાડ જિલ્લા પંચાયત બાગાયત વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, વલસાડ જિલ્લામાં 38000 હેકટરમાં આંબાવાડી આવેલી છે. વલસાડના 6 તાલુકામાં હાફૂસ, કેશર, લંગડો, દશેરી જેવી અનેક જાતોનું વાવેતર જોવા મળે છે. ગત વર્ષે માવઠાને લીધે ઉત્પાદન પર અસર થઈ હતી. જેથી ગત વર્ષે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન ભોગવવું પડ્યું હતું.  કેરીનો પાક વર્ષમાં ફક્ત એક જ વાર લેવામાં આવે છે. જાન્યુઆરી માસમાં આંબાવાડીમાં મોર આવ્યા. બાદ માર્ચ એપ્રિલ સુધીમાં આંબા ઉપર નાની કેરીઓ બેસી જતી હોય છે. મે માસમાં કેરીઓ ચુસ્ત થઇ જાય છે. કપરાડા, ધરમપુર અને વલસાડ તાલુકાઓમાં આવેલી અનેક આંબાવાડીઓમાં છેલ્લા એક મહિનામાં વિપુલ પ્રમાણમાં આંબાવાડીએ મોર જોવા મળ્યા છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનાથી શરૂ થઈને માર્ચ મહિના સુધીમાં આંબાવાડીઓમાં મોર જોવા મળે છે અને વધુ પ્રમાણમાં થયેલા મોર બાદ કેરીનું ઉત્પાદન નક્કી થતું હોય છે. સરેરાશ મોરના આધારે કેરીનું ઉત્પાદન કેટલું થશે, તે અનુભવી ખેડૂતો અંદાજ લગાવતા હોય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement