કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ મોટી સંખ્યામાં ગુજરાતીઓએ પ્રવાસ રદ કર્યો
- કાશ્મીર ટુરિઝમને પડ્યો મોટા ફટકો
- જુલાઈ સુધીની 90 ટકા કાશ્મીર ટુર કેન્સલ થતા ટૂર ઓપરેટરોને પણ નુકશાન
- વડોદરાથી સપ્તાહમાં જ 40થી વધુ લકઝરી બસો કાશ્મીર પ્રવાસે જવાની હતી
અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં ટુરિસ્ટો પર આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ હવે કાશ્મીર ટુરિઝમને મોટો ફટકા પડ્યો છે. ઉનાળાના વેકેશનમાં ગુજરાતમાંથી અનેક લોકોએ કાશ્મીર ફરવા જવા માટે બુકિંગ કરાવ્યા હતા. અમદાવાદ, સુરત અને વડોદરામાંથી તો આ સપ્તાહમાં જ અનેક ટુર ઓપરેટરો પ્રવાસીઓને લઈને કાશ્મીર જવાના હતા. હવે ગુજરાતમાંથી મોટાભાગના પ્રવાસીઓએ કાશ્મીરમાં ફરવા જવા માટેના બુકિંગ કેન્સ કરાવી દીધા છે. એટલે ગુજરાતના ટુર ઓપરેટરોને પણ મોટા ફટકા પડ્યો છે.
કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલાને પગલે કાશ્મીરના બુક થયેલા ટૂર પેકેજ ધડાધડ રદ થવા લાગ્યા છે. હાલ 90 ટકા લોકોએ પોતાની ટૂર કેન્સલ કરી છે. અમદાવાદ સહિત રાજ્યમાંથી કાશ્મીર જવા માટે 10થી 12 હજાર ટિકિટ બુક થઈ હતી. ટ્રાવેલ ફેડરેશન એસોસિએશન ઓફ ઇન્ડિયા (TAFI) ના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ સહિત રાજ્યમાંથી ટ્રેન, ફલાઇટ, રોડ માર્ગે કાશ્મીરનો 6 રાત્રિ સાત દિવસ પેકેજ 90 ટકા લોકોએ રદ કરી દીધા છે. સુરક્ષા-સલામતીની ધ્યાનમાં રાખી ગુજરાતમાંથી 1 લાખ ટૂરિસ્ટો કાશ્મીર ફરવા નહીં જાય તેથી ટુર ઓપરેટરોને પણ ફટકો પડ્યો છે.
પહલગામ આતંકવાદી હુમલાના પગલે ગુજરાતમાંથી કાશ્મીર ફરવા જવાની યોજના બનાવનારા પ્રવાસીઓ ચિંતાતુર બન્યા છે. મોટી સંખ્યામાં લોકોએ કાશ્મીરની ટૂર રદ કરી છે. ટૂર ઓપરેટરોએ કાશ્મીરની ટૂર રદ કરનાર પ્રવાસીઓને સંપૂર્ણ રિફંડ મળે એ માટેની વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી. માત્ર સુરત શહેરમાંથી કાશ્મીરના 30% ટૂર પેકેજ કેન્સલ થયા છે. જેમાં 10% ટૂર પેકેજ નવપરણિત યુગલોએ રદ કર્યા છે. ઉપરાંત આગામી 10-15 દિવસમાં જમ્મુ-કાશ્મીરના પ્રવાસન સ્થળ ના ટૂર પેકેજોનો કેન્સલ થવાનો આંકડો 60% સુધી પહોંચી શકે છે, એમ સાઉથ ગુજરાત એસોસિયેશન ઓફ ટ્રાવેલ્સ એજન્ટના સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાતીઓ માટે કાશ્મીર વર્ષોથી મનપસંદ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન રહ્યું છે. વર્ષ 2024માં 5 લાખ ગુજરાતીઓ કાશ્મીર ફરવા ગયા હતા. આ વર્ષે આ આંકડો પાર થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. પણ કાશ્મીરના ટુરિઝમને આતંકવાદનું ગ્રહણ નડી ગયું છે.
વડોદરાથી મે મહિનામાં ટ્રાવેલ્સની 40 જેટલી બસમાં 2 હજારથી વધારે પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જવાના હતા. હવે પ્રવાસીઓએ બુકિંગ કેન્સલ કરાવતા લકઝરી બસના ટ્રાવેલર્સ પણ મુશ્કેલીમાં મુકાયા છે. ટુર ઓપરેટરોના કહેવા મુજબ સામાન્ય દિવસમાં કાશ્મીર ફરવા જવા માટે ચારથી પાંચ ઇન્કવાયરી આવતી હતી. જે હવે આવતી પણ નથી.