અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પૂર ઝડપે કાર આઈસર સાથે અથડાતા પતિ-પત્નીના મોત
- અકસ્માતમાં કારના કૂરચેકૂરચા ઊડી ગયા
- કારમાં બે બાળકોનો ચમતકારિક બચાવ
- કારની એરબેગ પણ ચીરાઈ ગઈ
અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ગત મોડી રાતે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પૂરફાટ ઝડપે કાર આઈસર પાછળ ઘૂંસી જતા પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે બે બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત એટલે ભયંકર હતો કે, કારની એરબેગ પણ ચીરાઈ ગઈ હતી, બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને બે બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમસ્માતનો ભોગ બનેલો પરિવાર અમદાવાદના શાહીબાગ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર ગત મોડી રાતે કાર અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એમજી હેકટર કારમાં પતિ-પત્ની અને બે બાળકો વડોદરાથી અમદાવાદ તરફ આવી રહ્યા હતા. ત્યારે કારચાલકે ઓવર સ્પીડમાં કાર ભગાવી આગળ ચાલી રહેલા આઇસરના પાછળના ભાગે અથડાવી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા, એરબેગ્સ પણ ચીરાઈ ગઈ હતી.
આ અકસ્માતના બનાવ અંગે વિગતો એવી જાણવા મળી છે કે, અમદાવાદના શાહીબાગમાં રહેતો પરિવાર ગત મોડી રાતે એમજી હેકટર કારમાં વડોદરાથી અમદાવાદ આવી રહ્યો હતો.વડોદરાથી એક્સપ્રેસ હાઈવે રોડ પર પતિ-પત્ની અને તેમના બે બાળકો એમજી હેકટર કારમાં આવી રહ્યા હતા. આ દરમિયાન એમજી હેક્ટર કાર ઓવરસ્પીડમાં આગળ ચાલતી આઇસર સાથે ટકરાઈ હતી. જેના કારણે કારમાં બેઠેલા પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે તેમના બે નાના બાળકોને સામાન્ય ઇજા થઈ હતી. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને બે બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકના પરિવારને પણ જાણ કરી I-ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત મધરાત બાદ આજે વહેલી પરોઢે 3:37 વાગ્યા આસપાસ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અમદાવાદ ટોલ પ્લાઝાથી આશરે 500 મીટર વડોદરા તરફથી ફોરવ્હીલ ચાલક વિશાલ ગણપતલાલ જૈન (ઉ.વ.-36 રહે. મ.નં.4 મયુર ફલેટ, જૈન કોલોની, તેરાપન ભવન પાસે, શાહીબાગ, અમદાવાદ)એ પોતાની ફોરવ્હીલ GJ-01-WR-0789ને પૂરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે હંકાવી હતી. પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે પૂર ઝડપે કાર ચલાવી આગળ જતા આઇસર MH-04-MH-2688ને પાછળથી ટક્કર મારી હતી. મૃતકની ફોરવ્હીલ આઇસરની પાછળ અંદર ઘૂસી જતા કારચાલક અને તેમની પત્ની ઉષાબેન (ઉ.વ.34)ના શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર બંને પતિ-પત્નીના મોત નીપજ્યા હતા.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઇ મુકેશભાઇએ જણાવ્યું હતું કે, મૃતક અમારા પિતરાઈ ભાઈ છે. તેઓ તેમના સાળીની એનિવર્સરી હોવાથી સુરત ગયા હતા અને સુરતથી રાત્રે પરત ફરી રહ્યા હતા. તેમના સાળાને બરોડા મૂકીને બરોડા એક્સપ્રેસ હાઈવે પરથી અમદાવાદ આવી રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં અકસ્માતનો બનાવ બન્યો છે. અકસ્માતમાં તેમના બે બાળકોના જીવ બચી ગયા છે, બંનેની સ્થિતિ અત્યારે સારી છે. આ અંગે પોલીસ તરફથી અમને જાણ કરવામાં આવતા અમે સ્થળ પર પહોંચ્યા હતા.