For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટ યાર્ડમાં ધાણા, ઘઉં જીરૂ અને કપાસની ધૂમ આવક, યાર્ડ બહાર 2500 વાહનોની લાંબી લાઈનો

05:15 PM Mar 19, 2025 IST | revoi editor
રાજકોટ યાર્ડમાં ધાણા  ઘઉં જીરૂ અને કપાસની ધૂમ આવક  યાર્ડ બહાર 2500 વાહનોની લાંબી લાઈનો
Advertisement
  • ધાણાની બે લાખ મણ અને ઘઉંની દોઢ લાખ મણ આવક
  • યાર્ડમાં વાહનોને ક્રમવાર અપાતો પ્રવેશ
  • યાર્ડમાં આવતી કૃષિ પેદાશો શેડમાં ઉતારવા અપાઈ સુચના

રાજકોટઃ સૌરાષ્ટ્રના ગોંડલ બાદ સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં, ધાણા, ચણા, કપાસ સહિત વિવિધ કૃષિ પેદાશોની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડ બહાર સવારથી વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. મંગળવારે યાર્ડ બહાર કૃષિ જણસો વેચવા આવેલા 2500 જેટલા વાહનોની 12 કિમીની લાઈનો લાગી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે ક્રમવાર 2,500 કરતાં વધુ વાહનને પ્રવેશ આપી તમામ જણસીઓની ઉતરાઈ કરાવવામાં આવી હતી. એમાં ઘઉં અને ધાણાની સૌથી વધુ આવક નોંધાઈ હતી. ધાણાની બે લાખ મણ અને ઘઉંની દોઢ લાખ મણ આવક નોંધાઈ છે, જ્યારે જીરું, કપાસ અને મગફળી સહિતની વિવિધ જણસીના ખડકલા યાર્ડમાં થયા હતા.

Advertisement

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,500 કરતાં વધુ વાહનોમાં વિવિધ જણસીઓ લઈને ખેડૂતો આવી પહોંચ્યા હતા, જેમાં ઘઉંની 1.5 લાખ મણ જેવી આવક થતાં લોકવનના રૂ. 482થી 541 અને ઘઉં ટુકડા રૂ. 483થી 604ના ભાવ બોલાયા હતા, જ્યારે ધાણાની પણ 2 લાખ મણ આવક નોંધાતાં રૂ. 1250થી રૂ.1835 સુધીના ભાવ બોલાયા હતા. જ્યારે જીરુંની 54,000 મણની આવક થઈ હતી, એમાં રૂ. 3,550થી રૂ. 4,036 સુધીના ભાવે વેચાણ થયુ હતુ. આ ઉપરાંત મગફળી 25,500 મણ, તુવેર 7,500 મણ, મેથી 25,000 મણ, રાય-રાયડો 5,000 મણ અને કપાસ 5,000 મણની આવક થઈ હતી, જેમાં મગફળીના રૂ. 940થી રૂ. 1205, તુવેરનાં રૂ. 1,101થી રૂ. 1,426, મેથીના રૂ. 920થી રૂ. 1,325, રાય/રાયડોનાં રૂ. 960થી રૂ. 1,235ના ભાવ બોલાયા હતા. ઉનાળાની ગરમીમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતો શિયાળુ પાકનું વેચાણ કરવા માટે સતત મોટી સંખ્યામાં ઊમટી રહ્યા છે. ત્યારે આગામી સપ્તાહ સુધીમાં હજુ પણ મોટી સંખ્યામાં જણસીઓની આવક થવાની શક્યતા છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગતાં યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વા. ચેરમેન તથા ડિરેક્ટર સહિતના સ્ટાફ દ્વારા ખેડૂતોને કોઈપણ મુશ્કેલી ન પડે એ માટેની ખાસ વ્યવસ્થા કરાઈ હતી. તમામ વાહનોને ક્રમવાર પ્રવેશ આપી વિવિધ જણસીઓની ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. હજુ આગામી સપ્તાહમાં પણ શિયાળુ પાકની આવકમાં વધારો છે. જોકે હાલ વરસાદની કોઈ શક્યતા નહીં હોવા છતાં બને એટલો સામાન શેડમાં જ રાખવામાં આવી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement