છત્તીસગઢમાં ટ્રક અને મોટરકાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6ના મોત
બાલોદઃ છત્તીસગઢના બાલોદ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ચાર મહિલાઓ સહિત છ લોકોના મોત થયા છે અને અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છેપોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મોડી રાત્રે દાઉન્ડી પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરહાપાડાવ ગામ પાસે બની હતી જ્યારે એક ટ્રકે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV)ને ટક્કર મારી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં કાર સવાર દુર્પત પ્રજાપતિ (ઉ.વ 30), સુમિત્રા બાઈ (ઉ.વ 50), મનીષા કુંભકર (ઉ.વ 35), સગુન બાઈ (ઉ.વ 50), એમાલા બાઈ (ઉ.વ 55) અને જીગ્નેશ (ઉ.વ 7)ના મોત થયા હતા અને અન્ય સાત ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ તમામ ગુરેડા ગામના રહેવાસી હતા અને દાઉન્ડી ગામમાં નામકરણ સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી અને મૃતકો અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઘાયલોને દાઉન્ડી સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર બાદ રાજનાંદગાંવ જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે કેસ નોંધી લીધો છે અને તપાસ ચાલી રહી છે.