કાનપુરમાં કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, ત્રણના મોત
લખનૌઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં બિઠૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીટી રોડ હાઇવે પર એક કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં બે મહિલા શિક્ષકો સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે બે લોગો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કારમાં ત્રણ મહિલા શિક્ષિકાઓ અને ડ્રાઈવર હતા.
મળતી માહિતી મુજબ, કારમાં મુસાફરી કરતી તમામ મહિલા શિક્ષિકાઓ ઉન્નાવમાં શિક્ષણ આપતી હતી. ત્રણ મહિલાને ઉન્નાવ છોડવા જતી વખતે સૌપ્રથમ કાર એક બાઈક ચાલક સાથે ટકરાઈ હતી. ત્યારબાદ કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સામે આવતી બસ સાથે અથડાય હતી.
સમગ્ર ઘટનાને લઈને ઘટનાસ્થળે લોકો ટોળુ ભેગુ થઈ ગયુ હતું. જ્યારે ઘટનાની જાણ થતાની સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ બે મહિલા શિક્ષિકાઓ અને કાર ચાલકને મૃત જાહેર કર્યા હતા. જેમાં આકાંક્ષા મિશ્રા (ઉં.વ.25), અંજુલા મિશ્રા (ઉં.વ. 41) અને વિશાલ દ્વિવેદી (ઉં.વ. 27)નું મોત નીપજ્યુ હતું. જ્યારે શિક્ષિકા ઋચા અગ્નિહોત્રી અને અશોક કુમાર ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આકાંક્ષા મિશ્રા, રિચા અગ્નિહોત્રી અને અંજુલા મિશ્રા ઉન્નાવમાં ભણાવવા જતા હતા. દરરોજની જેમ ડ્રાઈવર વિશાલ દ્વિવેદી ત્રણેય શિક્ષકો સાથે ઉન્નાવ જવા રવાના થયો હતો. જેવી જ વિશાલે નરામાઉમાં સીએનજી ભરવા માટે હાઇવે પરના કટ પરથી કાર ફેરવવાનો પ્રયાસ કર્યો, કે તરત જ કાર બાજુમાં જઈ રહેલા એક બાઇક સાથે કાર અથડાઈ હતી. આ પછી કાર ખોટી બાજુ ગઈ, પછી સામેથી આવતી બસે તેને ટક્કર મારી હતી.
જ્યારે બિલ્હોરની સરકારી શાળાના શિક્ષક અશોક કુમાર બાઈક પર જઈ રહ્યા હતા. અકસ્માતની ઘટના બાદ બસ ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. આ બસમાં એક ખાનગી ફેક્ટરીના કર્મચારીઓ મુસાફરી કરી રહ્યા હતા, જેમને કોઈ ઈજા થઈ નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.