સુરેન્દ્રનગરના સીતાપુર સહિત 10 ગામોની સીમમાં ઘૂડસરના ટોળાંએ રવિપાકનો સોથ વાળ્યો
- અભ્યારણ્ય છોડીને 200થી વધુ ઘૂડસરો સીમ વિસ્તારમાં ઘૂંસી આવ્યા
- રવિપાકને નુકસાન કરતા ખેડૂતોની હાલત કફોડી બની
- ઘૂડસરોના ત્રાસથી ખેડૂતો રાત્રે ઉજાગરા કરીને રખોપું કરવા મજબુર બન્યા
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કચ્છના નાનારણ તરીકે ઓળખાતા વિસ્તારમાં ઘૂડસરનું અભ્યારણ્ય આવેલું છે. રણ વિસ્તારના અભ્યારણ્યથી ગૂડસરો અન્ય વિસ્તારોમાં આવીને ખેતી પાકને નુકસાન કરી રહ્યા છે. જિલ્લાના સીતાપુર દસ ગામમાં 200થી વધુ ઘુડખરોના ટોળાએ રવી પાકનો સોથ વાળતા ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે. તંત્રની ઉદાસીનતા સામે ખેડૂતો રોષે ભરાયા છે. દસ દિવસમાં ઘુડખરોને અભ્યારણ્યમાં સ્થાયી કરાવા ખેડૂતોએ તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે. એટલું જ નહીં દસ દિવસમાં કામગીરી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખર અભ્યારણ છોડીને 200થી વધુ ઘુડખરના ટોળા ઘણાંદ, રાજ સીતાપુર, વણા, ડુમાણા સહિત આશરે 10 જેટલા ગામના ખેતરોમાં ફરી રહ્યાં છે. આ ઘુડખરો ખેતરોમાં ઉભેલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન ઘુડખરો ખેતરોમાં પ્રવેશી પાકને નુકસાન કરે છે. માઠવાના મારથી બેઠા થયેલા ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું પણ ઘુડખરોએ સોથ વાળી દેતા મોંઘા બિયારણો, દવાઓ અને મજૂરી ખર્ચ માથે પડયો છે અને આર્થિક સ્થિતિ કફોડી બની છે. ખેડૂતો દિવસે ખેતરોમાં કામ કરે છે અને રાત્રે પાકની રખેવાળી માટે ઉજાગરા કરવા મજબૂર બન્યા છે.
ખેડૂતો દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ ઘુડખરોને ફરી અભ્યારણ વિસ્તારમાં સ્થાયી કરવા માટે વહીવટી તંત્ર, ફોરેસ્ટ વિભાગ, વન પર્યાવરણ મંત્રીઓ અને સ્થાનિક ઘુડખર વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. જિલ્લાના લખતર અને દસાડા તાલુકાના સેંકડો ખેડૂતોએ આજે ઘુડખરના ત્રાસના મુદ્દે દુધરેજથી કલેકટર કચેરી સુધી આક્રોશ રેલી યોજી હતી. તેમ છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.વન વિભાગની ઉદાસીનતાથી રોષે ભરાયેલા ખેડૂતોએ હવે વહીવટી તંત્રને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 10 દિવસની અંદર ઘુડખરને ખસેડવાની કામગીરી કરવામાં નહીં આવે તો તેઓ લખતર ખાતે ઉગ્ર આંદોલન કરશે. ખેડૂતો દેવાદાર બની રહ્યા છે ત્યારે પાકને થતું નુકસાન તેમના માટે સહન કરવું મુશ્કેલ છે, જેથી તંત્ર આ મામલે તાત્કાલિક નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે.