નવી દિલ્હી ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય “વાઇબ્રન્ટ ગુજરાત ગરબાનો કાર્યક્રમ યોજાયો
- પ્રથમ વખત ગુજરાત પર્યટન વિભાગ દ્વારા દિલ્હીમાં ગરબાનું આયોજન કરાયું,
- ગુજરાતની રંગતભરી સંસ્કૃતિની ઉત્સવને લોકોએ નિહાળ્યો,
- રાજ્યપાલ દેવવ્રતજી તથા કેન્દ્રિય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા
ગાંધીનગરઃ પ્રથમ વખત ગુજરાત પર્યટન વિભાગે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર કચેરીના સહયોગથી રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં શરદ પૂર્ણિમાના પાવન અવસરે “વાઇબ્રન્ટ ગુજરાત ગરબા સેલિબ્રેશન” નામે ભવ્ય પોસ્ટ-નવરાત્રિ ઉજવણીનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમ નવો દિલ્હીના વિનય માર્ગ સ્થિત સિવિલ સર્વિસિસ ઓફિસર્સ ઈન્સ્ટિટ્યૂટ (CSOI) ખાતે યોજાયો હતો, જેમાં અનેક અતિથિઓ અને માનનીય વ્યક્તિઓએ ગુજરાતની રંગતભરી સંસ્કૃતિની ઉત્સવી ભાવનામાં ઉમંગભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, તેમજ ભારતના પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પી.કે. મિશ્રા, ગુજરાતના મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રખ્યાત બોલીવુડ ગાયિકા ભૂમિ ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા રજૂ કરાયેલ મોહક ગરબા પ્રદર્શન હતું, જેણે પોતાના ઉર્જાસભર અને આત્મીય સંગીતથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. મહેમાનો પણ ગરબાના રંગમાં રંગાઈ ગયા અને સ્થળ પર ઉત્સાહભર્યું અને યાદગાર વાતાવરણ સર્જાયું.
આ પ્રસંગે ગુજરાત પર્યટન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે દિલ્લીમાં નવરાત્રીની ભાવના અને ગુજરાતની સંસ્કૃતિનો ઉત્સવ લાવીને તેમને ગર્વની અનુભૂતિ થઈ છે, તેમજ “પધારો ગુજરાત જ્યાં જીવન એક ઉત્સવ ”નો સંદેશ વધુ મજબૂત રીતે પ્રસરાવ્યો છે.