For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કચ્છના લખપતના ગુનેરીમાં સરકારી માધ્યમિક શાળાનું મકાન ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યુ છે

03:59 PM Nov 11, 2025 IST | Vinayak Barot
કચ્છના લખપતના ગુનેરીમાં સરકારી માધ્યમિક શાળાનું મકાન ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યુ છે
Advertisement
  • માધ્યમિક શાળાનું નવુ મકાન 4 કરોડના ખર્ચે બનાવ્યુ છે,
  • ચાર મહિનાથી શાળાના નવા મકાનને તાળાં લાગેલા છે,
  • હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાં ભણવા માટે જવું પડે છે

ભૂજઃ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરીમાં અંદાજે ચાર કરોડના ખર્ચે સરકારી માધ્યમિક શાળાનું નવિન મકાન ચાર મહિના પહેલા બનાવવામાં આવ્યુ છે. પણ ચાર મહિનાથી તંત્રને ઉદઘાટન કરવાનો સમય મળતો નથી. એટલે ચાર મહિનાથી શાળાના મકાનને તાળાં લાગેલા છે. બીજી બાજુ માધ્યમિકના વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના મકાનમાં અભ્યાસ કરવા માટે જવાની ફરજ પડી રહી છે.

Advertisement

લખપત તાલુકાના ગુનેરી ગામમાં વર્ષ 2017માં સરકારી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવ્યા બાદ ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના રૂમમાં અભ્યાસ કરતા હોવાથી હાઈસ્કૂલનું મકાન બને તે માટે અનેક વખતની રજૂઆતો બાદ આખરે જમીન તેમજ ગ્રાન્ટ મંજૂર થયા બાદ હાઈસ્કૂલના બાંધકામ માટે ત્રણ ત્રણ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આખરે વર્ષ 2023ના માર્ચ મહિનામાં અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા બાદ ચાર કરોડના ખર્ચે માધ્યમિક શાળાનું કામ પૂર્ણ થઈ ગયું છે છતાં હજુ સુધી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી.

ગુનેરી ગામે પ્રાથમિક શાળાના છ રૂમ પૈકી બે રૂમમાં ધોરણ નવ અને દસના 40 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રાથમિક શાળાના રૂમમાં ચાલી રહેલા માધ્યમિકના શિક્ષણ કાર્યને લઇ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે નવી ઈમારતનું ક્યારે લોકાર્પણ કરાશે તેવો વેધક સવાલ સ્થાનિક લોકો સાથે વિદ્યાર્થીઓ પણ કરી રહ્યા છે.

Advertisement

આ અંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જશુભા જાડેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે વહેલી તકે લોકાર્પણ કરવા માટે મૌખિક રજૂઆતની સાથે સંકલનમાં પણ લેખિત રજૂઆત કરી છે તેમ છતાં હજુ સુધી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. જો તંત્ર દ્વારા વહેલી તકે હાઈસ્કૂલનું લોકાર્પણ કરવામાં નહિ આવે તો આગામી 8-10 દિવસમાં તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ તેમજ ગ્રામજનો સાથે મળીને હાઈસ્કૂલનું ઉદ્ઘાટન કરી નાખશું તેવી ચીમકી તેમણે ઉચ્ચારી હતી

Advertisement
Tags :
Advertisement