સુપ્રસિદ્ધ તરણેતરના લોકમેળામાં ઝાલાવાડી સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવાશે
- લોકમેળામાં છત્રી સજાવટ, ભરત ગૂંથણ, લોકગીત, લોકવાર્તા જેવી કુલ 31 સ્પર્ધા યોજાશે,
- રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે વિવિધ સ્પર્ધાનું આયોજન,
- પ્રથમ, દ્વીતિય અને તૃતીય વિજેતાઓને પુરસ્કાર અપાશે
સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાન નજીક તરણેતર ગામે યોજાતા લોકમેળો માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તરણેતરનો ભાતીગળ મેળાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.ત્યારે રાજ્યના યુવક અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ લોકમેળામાં ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવવાનું આયોજન કરાયું છે. જેમાં વિવિધ પરંપરાગત સ્પર્ધાઓ આ મેળાનું મુખ્ય આકર્ષણ બનશે. આ સ્પર્ધાઓથી યુવાનોને તેમની અદ્ભૂત પ્રતિભા અને કલા-કૌશલ્યો પ્રદર્શિત કરવાની તક મળશે.
તરણેતરના સુપ્રસિદ્ધ મેળાને ભવ્ય સાંસ્કૃતિક સ્વરૂપ આપવા માટે ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, તથા સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તરણેતરના લોકમેળામાં લોક કલાકારોને પ્રોત્સાહન આપવાનો, ગામઠી પરંપરાઓનું જતન કરવા વિવધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, ગયા વર્ષે કુલ 26 સ્પર્ધાનું આયોજન કર્યું આ વર્ષે ઘન વાદ્યની 5 નવી સ્પર્ધાનો સમાવેશ કરાયો છે. ઝાંઝ, મંજીરા, કરતાલ, શંખ, ભૂંગળ અને ઝાલર જેવી સ્પર્ધાઓનો સમાવેશ કરી લુપ્ત થઈ રહેલી કલાઓને ફરીથી જીવંત કરતી કુલ 31 સ્પર્ધા યોજાશે. જેના પ્રથમ, દ્વીતિય અને તૃતીય વિજેતાઓને રૂ.1000, રૂ.750 અને રૂ.500 પુરસ્કાર અપાશે. આ પૈકી 29 સ્પર્ધા સ્ટેજ પર યોજાશે. તા. 26થી 28 ઓગસ્ટ એમ 3 દિવસ લોકડાયરા અને રાસગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો જૂની સંસ્કૃતિના વારસો ગણાતા લોકવાદ્યના કલાકારોને રાવણહથ્થો અને મોરલી વાદકોનો કલાકારો મેળામાં ફરી યુવા પેઢી આ કલાઓથી પરિચિત કરશે. જ્યારે પરંપરાગત વેશભૂષા, છત્રી સજાવટ, પારંપરિક ભરત ગૂંથણ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહા-છંદ, ડાક ડમરું વાંસળી, સિંગલ પાવા, જોડીયા પાવા, એકપાત્રીય અભિનય, રાસ, ભવાઈ, બહુરૂપી, હુડો રાસ, લોકનૃત્ય, મોરલી, શરણાઈ, એકલ નૃત્ય લાકડી ફેરવવી, ઢોલ, ઝાંઝ મંજીરા, કરતાલ, ભૂંગળ, ઝાલર, શંખ જેવી પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે.