ભાવનગરના ઘોઘા નજીક મહાકાય અજગરે પશુનું મારણ કર્યા બાદ ઝાડ પર ચડી ગયો
- ઘોઘાના ખરખડી ગામે એક મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો,
- ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા,
- ભારે જહેમત બાદ ઝાડ પર ચડેલા અજગરનું રેસ્ક્યુ કરાયું
ભાવનગરઃ જિલ્લાના ઘોઘા તાલુકાના ખરખડી ગામે બપોરના સમયે અચાનક એક મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના જારખડું વિસ્તારમાં માલધારી પોતાના પશુને ચરાવી રહ્યા હતા, તે દરમિયાન અચાનક મોટો અજગર પશુ પર તૂટી પડ્યો અને તેનું મારણ કર્યું હતું. માલધારીએ ગ્રામજનોને જાણ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા, પશુનું મારણ કર્યા બાદ મહાકાય અજગર ઝાડ પર ચડીને આરામ કરી રહ્યો હતો. મહાકાય અજગરને જોતા ગ્રામજનોએ અજગરની પાસે જવાની હિંમત કરી નહતી. અને આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ સ્ટાફ સાથે દોડી આવીને ત્વરિત મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે અજગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરાયો હતો.
ગ્રામજનોના કહેવા મુજબ અજગર ખૂબ જ વિશાળ કદનો હતો અને પશુના શિકાર બાદ ઝાડ પર વીંટળાઈને આરામ કરી રહ્યો હતો. અજગરના કદને જોતા લોકોમાં ચકચાર મચી ગઈ હતી અને મોટી સખ્યામાં ગ્રામજનો દોડી ગયા હતા. ગામલોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી અજગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ અંગે ઘોઘા RFO અમિત અજવાણીયાએ જણાવ્યું કે, અમને ગ્રામજન દ્વારા જાણ કરવામાં આવી હતી અને આ બનાવ ખરકડી ગામ નજીક આવેલા જારખડું વિસ્તારમાં અજગર જોવા મળ્યો હતો. ત્વરિત ફોરેસ્ટ ટ્રેકરોને મોકલવવામાં આવ્યા હતા અને આ બનાવ બપોરના 3 વાગ્યા આસપાસનો છે. વિશાળકાય અજગર એક પશુનું મારણ કર્યું હતું અને ટ્રેકર બનાવ સ્થળ પર પહોંચી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે પકડીને મુક્ત કરવામાં આવ્યો હતો.