કાળુપુર રેલવે સ્ટેશનની બહાર પ્રવાસીઓને લૂંટતી ગેન્ગનો સાગરિત પકડાયો
- પ્રવાસીએ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરતા જ લૂંટારૂ શખસને પકડાયો,
- લૂંટારૂ ગેન્ગ પરપ્રાંતથી આવતા એકલ-દોકલ વ્યક્તિઓને નિશાન બનાવતા હતા.
- લૂંટમાં રિક્ષાચાલકોની પણ સંડોવણી
અમદાવાદઃ શહેરના કાળુપર રેલવે સ્ટેશન પર બહારગામથી આવતા એકલ-દોકલ પ્રવાસીઓને ટાર્ગેટ બનાવીને લૂંટ કરતી ગેન્ગના સાગરિતને પોલીસે દબોચી લીધો હતો, આ બનાવમાં લૂંટનો ભોગ બનેલા પ્રવાસીએ પોલીસ કંન્ટ્રોલરૂમને ફોન કરતા જ પીસીઆર વાન આવી હતી. અને ફરિયાદીને પીસીઆર વાનમાં બેસાડીને આરોપીની શોધખોળ કરી હતી. અને એક લૂંટારૂ શખસ નજરે પડતા જ પોલીસે તેને દબોચી લીધો હતો.
આ બનાવની વિગત એવી છે કે, કાળુપુર રેલવે સ્ટેશનની બહાર આવતા પેસેન્જરોને છરીની અણીએ લૂંટી લેનાર ગેંગનો મુખ્ય સાગરીતને પોલીસે ઝડપી લીધો છે. બે મિત્રો બિહારથી ટ્રેનમાં બેસીને કાળુપુર રેલવે સ્ટેશન પર આવ્યા હતા. રેલવે સ્ટેશનની બહાર નિકળતા લૂંટારૂઓ શખ્સોએ રિક્ષાચાલકની મદદથી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘોળા દિવસે બનેલી આ ઘટનામાં ભોગબનનારે પોલીસ કંટ્રોલરુમમાં ફોન કરી દીધો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા લઇને ભોગબનનારને સાથે રાખીને લૂંટારૂને ઝડપી લીધો હતો. જ્યારે તેનો સાગરીત ભાગવામા સફળ રહ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બિહારના તેલીહાર ગામમાં રહેતા રાજીવ શાહે કાલુપુર પોલીસ સ્ટેશનમાં સમીર શેખ સહિત ત્રણ લોકો વિરૂદ્ધ લૂંટની ફરિયાદ કરી છે. રાજીવ છેલ્લા બે મહિનાથી મહેસાણા ખાતે આવેલી એક સાઇટ પર નોકરી કરીને ગુજરાન ચલાવે છે. રાજીવ અને તેનો મિત્ર સંજીવ બિહારથી ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પર આવ્યા હતા. બન્નેને ગીતા મંદિર જવાનું હોવાથી તે રેલવે સ્ટેશનની બહાર ઉભા રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા. બન્ને શખ્સોએ આવતાની સાથે રાજીવને કહેવા લાગ્યા છે કે તમારે ક્યા જવું છે. રાજીવે જવાબ આપ્યો કે, અમારે ગીતામંદિર જવુ છે અને ત્યાથી બસમાં મહેસાણા જવાનું છે. બન્ને શખ્સોએ એક રિક્ષાને ઉભી રાખી હતી અને બાદમાં ગીતા મંદીર જવાનું 40 રૂપિયા ભાડુ નક્કી કર્યુ હતું. રાજીવ મિત્ર સાથે રિક્ષામાં બેસી ગયો ત્યારે બન્ને શખ્સો પણ રિક્ષા ઉપર ઉભા રહી ગયા હતાં, જેમાંથી એક શખ્સે તેની પાસે રહેલી છરી કાઢી હતી. બન્ને શખ્સોએ ધમકી આપી હતી કે, તમારી પાસે જે પૈસા છે તે આપી દો. રાજીવ અને તેનો મિત્ર કઇ બોલે તે પહેલા બન્ને શખ્સોએ તેમના ખીસામાં હાથ નાખીને 1500 રૂપિયા કાઢી લીધા હતા. લૂંટ કર્યા બાદ બન્ને શખ્સો રિક્ષામાંથી ઉતરી ગયા હતા. બન્ને શખ્સોનો સાગરીત રિક્ષાચાલક રાજીવ અને સંજીવને ગીતા મંદિર ઉતારી દીધા હતા. ગીતામંદિર પહોચતાની સાથે જ રાજીવે પોલીસ કંટ્રોલરુમમાં ફોન કરી દીધો હતો. પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોચી ગઇ હતી. જ્યાં રાજીવે સમગ્ર હકીકત કીધી હતી. રાજીવની ફરિયાદ સાંભળતા પોલીસે તેને પોતાની જીપમાં બેસાડી દીધો હતો અને કાલુપુર રેલવે સ્ટેશન પર લઇને આવી હતી. રાજીવે લૂંટ કરનાર શખ્સને દુરથી બતાવતા પોલીસે તેને ઝડપી લીધો હતો, જ્યારે તેની સાથે રહેલો શખ્સ નાસી ગયો હતો. લૂંટારૂને પકડીને પોલીસ સ્ટેશન લાવી હતી. જ્યા તેની પૂછપરછ કરવામાં આવી હતી. લૂંટારૂનું નામ સમીર શેખ છે અને તે કાલુપુર રેલવે સ્ટેશન બહાર પેસેન્જરોને લૂંટવાનું કામ કરે છે. સમીર સાથે બીજા તેના સાગરીતો કોણ હતા તે મામલે કાલુપુર પોલીસે સંજીવની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.