વડોદરામાં ઈન્વેસ્ટરને શેર માર્કેટની લિંક મોકલીને ઠગ ટોળકીએ 1.81 કરોડનો ચુનો લગાવ્યો
- ફેસબુક પર શેર માર્કેટિંગની એક લિંક જાહેરાત જોઈને ખાનગી કંપનીના મેનેજર આકર્ષાયા,
- વોટ્સએપ ગૃપમાં એડ કરીને શોર્ટ ટાઈમ પ્રોફિટને લગતી સ્કીમ બતાવી,
- વીઆઈપી પ્લાનના નામે અને આઇપીઓ ગ્રુપના નામે મોટુ રોકાણ કરાવીને ફ્રોડ કર્યો
વડોદરાઃ રાતોરાત રૂપિયા કમાવવાની લાલચમાં ભણેલા ગણેલા લોકો જ સાયબર ક્રાઈમનો ભોગ બનતા હોય છે. રોકાણના નામે ઓનલાઇન ઠગાઈના સંખ્યાબંધ બનાવો બની રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં એક ખાનગી કંપનીમાં મેનેજર એવા ઈન્વેસ્ટર ઠગ ટોળકીનો ભોગ બન્યા છે. શેર માર્કેટમાં આકર્ષક વળતરની લાલચ આપીને ચાર-ચાર એકાઉન્ટ ખોલાવી ઠગોએ 1.81 કરોડ પડાવી લીધા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં નવધા રેસીડેન્સીમાં રહેતા ખાનગી કંપનીના મેનેજર ઘનશ્યામ માત્રોજાએ પોલીસને કહ્યું હતુ. કે ગઈ તા.14 ઓગસ્ટના રોજ ફેસબુક પર શેર માર્કેટિંગની એક લિંક જાહેરાત જોઈ હતી. જેના પર ક્લિક કરતા મને મનીશુખ ફાઇનાન્સિયલ સિક્યુરિટીના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં 100 મેમ્બરો હતા. પોલોમી નાથ નામની વ્યક્તિએ મારી સાથે મેસેજથી વાત કરી શોર્ટ ટાઈમ પ્રોફિટને લગતી સ્કીમ બતાવી હતી. ત્યારબાદ મારું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને એક એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. જેમાં કેવાયસી પણ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં દસ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા 960 પ્રોફિટ દેખાયો હતો. ત્યારબાદ મેં આ ગ્રુપમાં કુલ 65.40 લાખનું રોકાણ કર્યું હતું. જેમાં મને આઇપીઓ લાગ્યા છે તે પ્રકારની વાત કરવામાં આવી હતી અને મારું બેલેન્સ 3 કરોડ દેખાતું હતું. આ દરમિયાન ઠગોએ મને પેટીએમ મની લિમિટેડ નામની લીંક મોકલી તેના પણ વોટ્સએપ ગ્રુપમાં જોઈન કર્યો હતો. મેં આ ગ્રુપમાં બધી માહિતી ભરી હતી અને રજીસ્ટ્રેશન બાદ રૂ.25,000 નું રોકાણ કરતા તેની સામે 2884 મળ્યા હતા. ત્યાર પછી વીઆઈપી પ્લાનના નામે અને આઇપીઓ ગ્રુપના નામે મારી પાસે 53 લાખ રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું જેની સામે 1.55 કરોડનો પ્રોફિટ દેખાતો હતો.
ઇન્વેસ્ટરે પોલીસને કહ્યું છે કે, આ ટ્રાન્ઝેક્શન ચાલતા હતા તે દરમિયાન વધુ બે લિંક મોકલી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. જેમાં એસબીઆઈ સિક્યુરિટી ગ્રુપમાં 42.95 લાખ અને નૂવામાં વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડમાં 19.12 લાખ ભરાવવામાં આવ્યા હતા. મને વેબસાઈટ ઉપર ભરેલ રકમના 10% વળતર આપવાનું તેમજ સારા એવા પ્રોફિટની વાત કરવામાં આવી હતી. પરંતુ રકમ ઉપાડવાની વાત આવે ત્યારે 20 ટકા રકમ ભરવી પડશે તેવા બહાના કાઢવામાં આવતા હતા અને વધુને વધુ રકમની માંગણી કરવામાં આવતી હતી. આમ મારી પાસે 1.81 કરોડ ઇન્વેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેની સામે માત્ર 2.22 લાખ રૂપિયા મને પરત મળ્યા છે. સાયબર સેલે આ બાબતે ગુનો નોંધ તપાસ હાથ ધરી છે.