વડોદરામાં પૂરફાટ ઝડપે ફોર્ચ્યુનર કાર ડિલિવરી બોયને અડફેટે લઈ વીજ પોલ સાથે અથડાઈ
- વડોદરાના કુણાલ ચાર રસ્તા પાસે સર્જાયો અકસ્માત,
- ફોર્ચ્યુનર કારે અન્ય ત્રણ કારોને પણ ટક્કર મારી,
- લક્ષ્મીપુરા પાલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે પૂરફાટ ઝડપે આવેલી ફોર્ચ્યુનર કારે અકસ્માત કર્યો હતો, શહેરના કુણાલ ચાર રસ્તા પાસે કારચાલકે ફૂડ ડિલિવરી બાઈકચાલકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં ફૂડ ડિલિવરી બોયને હાથમાં ફેક્ચર થયું હતું, જેના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતની આ ઘટનાના CCTV સામે આવ્યા છે, જેમાં કારચાલક પૂરપાટ ઝડપે જતો જોવા મળે છે અને ફૂડ ડિલિવરી બોયને ટક્કર માર્યા બાદ કાર વીજ પોલ સાથે અથડાઈ હતી, એટલું જ નહીં બીજી ત્રણકારને પણ ટક્કર મારી હતી. આ કેસમાં લક્ષ્મીપુરા પોલીસે ફોર્ચ્યુનર કારના ચાલક સામે ઓવરસ્પીડિંગનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના કુણાલ ચાર રસ્તા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ફોર્ચ્યુનર કારના ચાલક ભૈરવ જયંતભાઇ પટેલે ફોર્ચ્યુનર કારને પૂરપાટ ઝડપે ચલાવી હતી. જેથી, કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઇડમાં જતી રહી હતી અને નજીકમાં આવેલા ઝાડ નીચે ઉભેલા ફૂડ ડિલિવરી બોયને અડફેટે લીધો હતો. આ ઉપરાંત નજીક જ ઉભેલી 3 કારને પણ અડફેટે લીધી હતી. ત્યારબાદ કાર વીજ પોલ સાથે અથડાઈ હતી અને કારને નુકશાન પહોંચ્યું હતું. અકસ્માત જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ફૂડ ડિલિવરી બોયને ઈજા પહોંચતા તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આવ્યો હતો. ડિલિવરી બોયને હાથમાં ફેક્ચર અને પગમાં ગંભીર ઈજા થઈ છે. આ મામલે લક્ષ્મીપુરા પોલીસે ઓવરસ્પીડિંગનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ અકસ્માત અંગે એક અન્ય વાહનચાલકના કહેવા મુજબ ઝાડ નીચે અમારી કાર પડી હતી અને એક કારચાલકે અમારી કારને ટક્કર મારી હતી અને અમારો જીવ બચી ગયો છે પરંતુ, ઝોમેટો ફૂડ ડિલિવરી બોય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. કાર ઓવરસ્પીડમાં હતી. અમારા પરિવારના 4 સભ્યો બચી ગયા છે. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, કુણાલ ચાર રસ્તા પાસે અમે ગાડીમાં શાંતિથી બેઠા હતા. આ સમયે ડિવાઇડર કૂદીને કાર આવી હતી અને અમારી કારને અથાડી દીધી હતી. કારચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો.