ભચાઉ-ગાંધીધામ હાઈવે પર કન્ટેનર ડીઝલ ભરેલા ટેન્કર સાથે અથડાતા લાગી આગ
- ટેન્કરમાંથી ડીઝલ ઢોળાયા પછી અડધો કલાક બાદ આગ લાગી,
- 60 લીટર ફોર્મ, 9 હજાર લીટર પાણીની મારો, 2 કલાકે આગ પર કાબુ આવી
- હાઈવે બંધ કરીને ઢોળાયેલા ડીઝલ પર રેતી પાથરવામાં આવી
ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો હવે રોજિંદા જોવા મળી રહ્યા છે. ભચાઉ-ગાંધીધામ વચ્ચે નેશનલ હાઈવે પર કન્ટેનર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યાર બાદ આગ ફાટી નિકળી હતી. ઓવરટેક કરવા જઈ રહેલો કન્ટેનર ડીઝલ ભરેલા ટેન્કર સાથે ભટકાયા બાદ પલટી ગયો હતો. અકસ્માતમાં ટેન્કરમાંથી ડીઝલ લીકેઝ થઈને હાઈવે પર નદીની જેમ વહેવા લાગ્યું હતું. બનાવના અડધા કલાક બાદ ઢોળાયેલા ડીઝલમાં અચાનક આગ લાગતા પસાર થઇ રહેલી એક કાર પણ તેની ઝપેટમાં આવી હતી. આ બનાવની જાણ થતાં ભચાઉ નગરપાલિકાના ફાયર ફાઈટર દોડી ગયા હતા, અને 60 લીટર ફોર્મ, 9 હજાર લીટર પાણીની મારો ચલાવીને 2 કલાકે આગ પર કાબુ મેળવાયો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળે છે કે, ગાંધીધામથી ભચાઉ તરફના નેશનલ હાઈવે પર એક કન્ટેનર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડીઝલ ભરેલા ટેન્કરની ઓવર ટેક કરવા જતા સમયે અચાનક કન્ટેનર અથડાઈને પલટી ગયો હતો. આ અકસ્માતમાં ટેન્કરને નુકસાન પહોચતા ડીઝલ લીકેજ થઈને હાઈવે પર નદીની જેમ વહેવા લાગ્યુ હતું. આ બનાવની જાણ થતાં જ ભચાઉ પોલીસ અને નેશનલ હાઇવે પેટ્રોલિંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ઢોળાયેલા ડીઝલ પર વાહનો સ્લીપ ન થાય તે માટે પસાર થતાં વાહનોને યોગ્ય જગ્યાએથી વાળવામાં આવ્યા હતા. તેમજ તાત્કાલિક ધોરણે માર્ગ પર રેતી પાથરવામાં આવી હતી. પરંતુ બનાવના અડધા કલાક બાદ અચાનક સર્વિસ રોડ પર ઢોળાયેલા ડીઝલમાં આગ લાગી હતી. જેમાં પસાર થતી કિયા કાર પણ આગની ઝપટે ચડી હતી.
આ ઘટનાની જાણ ભચાઉ નગરપાલિકા ફાયર ફાઈટર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 60 લીટર ફોર્મ અને 9 હજાર લીટર પાણીનો મારો કરી આગ પર બે કલાકે કાબુ મેળવ્યો હતો.