સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં લાગી આગ, ગુંગળાઈ જતા એકનું મોત
- સુરતના રિંગરોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી
- આગ લાગતા લોકો માર્કેટમાંથી જીવ બચાવવા બહાર ભાગ્યા
- ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
સુરતઃ શહેરના રિંગરોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. પ્રથમ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગ્યા બાદ આગ આજુબાજુની દુકાનોમાં પ્રસરી હતી. આગ લાગતા જ લોકો જીવ બચાવીને બહાર દાડી આવ્યા હતા. અને આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરની 20 ગાડીઓ ફાયટરો સાથે ઘટના સ્થળે પહોંચી હતી. આગના ધુમાડાને લીધે ગૂંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ફાયર ફાયટરોએ આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી. આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી.
સુરત શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટનો સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટમાં હતા. એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા.આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની 20થી 25 ગાડીઓ સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે, ધુમાડામાં ગૂંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
શહેરના ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા ટેક્સટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં ચારથી પાંચ દુકાનોમાં આગ લાગી હતી. બેઝમેન્ટમાં આગ લાગવાને કારણે ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં પ્રસરી ગયો હતો. જેના કારણે ઘટના સમયે માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ગૂંગળામણ અનુભવી રહ્યા હતા. ફાયરની ટીમે ઘટનાસ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ ધુમાડો વધુ હોવાને કારણે લોકો જીવ બચાવવા માટે બહારની તરફ ભાગ્યા હતા. ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફ્ટી પણ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયરનાં સાધનો લગાવવામાં આવ્યાં છે પરંતુ તે કાર્યરત ન હોવાનું જાણવા મળ્યું છે. બેઝમેન્ટની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું જણાઈ રહ્યું છે. આગ લાગી ત્યારે 50થી વધુ લોકો બેઝમેન્ટમાં હતા. દુકાનના માલિકો અને ગ્રાહકો, વેપારીઓ આગ લાગતાની સાથે જ પોતાની રીતે બહાર દોડી આવ્યા હતા.