તમિલનાડુની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લાગી આગ, 6 લોકોના મૃત્યુ
બેંગ્લોરઃ તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલમાં ભયાનક આગ લાગી હતી.. આ આગમાં નાના બાળક અને 3 મહિલાઓ સહીત 6 લોકોના મૃત્યુ થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે.. હોસ્પિટલમાં આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ હોવાનું કારણ સામે આવ્યું છે. આ તમામને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત રાત્રે થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. હોસ્પિટલમાં અંદર ફસાયેલા લગભગ 100 લોકોને બચાવવા માટે ઓછામાં ઓછી ત્રણ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી 10 સરકારી એમ્બ્યુલન્સ અને 30 ખાનગી એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને લોકોને બહાર કાઢીને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર, ડિંડીગુલ જિલ્લાના તિરુચી રોડ પર સ્થિત આ ચાર માળની હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર સૌથી પહેલા આગ લાગી હતી. આ પછી ધીમે ધીમે તેણે આખી હોસ્પિટલને ઘેરી લીધી. રિસેપ્શન એરિયામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.