અમદાવાદના લાંભા વિસ્તારમાં ટીંમ્બર માર્ટમાં લાગેલી ભીષણ આગ આજુબાજુમાં પ્રસરી
- ટીમ્બર માર્ટમાં 60 ટન લાકડાંનો જથ્થો બળીને ખાક
- ટીમ્બર માર્ટની આગ ત્રણ ઈન્ડસ્ટ્રીયલ શેડમાં ફેલાઈ
- ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો
અમદાવાદઃ શહેરના લાંભા બળિયાદેવ મંદિર નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં ટીમ્બર માર્ટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હેન્ડી ક્રાફ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા લાકડાનો જથ્થો સહિત 60 ટન જેટલો લાકડાનો જથ્થો આગમાં બળીને ખાક થઈ ગયો હતો. આગ લાગવાના કારણે બાજુમાં આવેલા પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 3 જેટલા શેડ પણ બળીને ખાક થઈ ગયા હતા.તેમજ અન્ય ચારથી પાંચ જેટલા શેડને પણ નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડની ટીમે બે કલાકની ભારે જહમત બાદ આગને કાબુમાં લીધી હતી. અંદાજે 100 ટન જેટલો લાકડાનો જથ્થો રાખ્યો હતો અને આ જગ્યામાં કાયદેસર હતી કે ગેરકાયદેસર તેને લઈને એસ્ટેટ વિભાગને જાણ કરવામાં આવી છે.
શહેરના ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે વહેલી પરોઢે ચાર વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે લાંભા વિસ્તારમાં બળીયાદેવ મંદિર પાસે ખજુરી હનુમાન દાદાના મંદિરની સામે ખુલ્લા પ્લોટમાં સનસાઈન હેન્ડીક્રાફ્ટ નામના ટિમ્બર માર્ટમાં આગ લાગી છે. આથી ફાયર બ્રિગેડની 23 જેટલી ગાડીઓ અને ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. લાકડાંનો જથ્થો હોવાના કારણે આગએ વિકરાળરૂપ ધારણ કર્યું હતું. 45 જેટલા ફાયર બ્રિગેડના કર્મચારીઓની અને અધિકારીઓની મદદથી બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.
ફાયરના સૂત્રોએ ઉમેર્યું હતુ કે, લાકડાનો જથ્થો હતો જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. 60 ટન જેટલો લાકડાનો જથ્થો બળીને ખાક થઈ ગયો છે, જ્યારે 100 ટન જેટલો લાકડાંનો જથ્થો બચાવી લેવામાં આવ્યો છે. ટીમ્બર માર્ટની બાજુમાં આવેલા પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ આગ ના કારણે ત્રણ જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડ બળીને ખાક થયા હતા. આગ લાગવાની ઘટના જે જગ્યાએ બની છે તે જગ્યાને લઈને પણ સવાલ ઊભા થયા છે આ જગ્યામાં ટીમ્બર માર્ટ બનાવવા માટેની મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની પરવાનગી લેવામાં આવી હતી કે નહિ તેની તપાસ કરવામાં આવી રહી છે.