વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટેનો ઉત્સવઃ NIMCJ આયોજિત મિડીયોત્સવ ૨૦૨૫ની વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યભરના વિદ્યાર્થીઓ જોડાશે
અમદાવાદ : નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઇએમસીજે)ના વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ માટે દર વર્ષે યોજાતા મીડિયોત્સવની બીજી સિઝન, મિડીયોત્સવ ૨૦૨૫નું, ૨૨ ફેબ્રુઆરી શનિવારના રોજ ડો શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ, ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં રાજ્યભરની મીડિયા શિક્ષણ સંસ્થાઓ તથા અન્ય કોલેજોના અંદાજે 300થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લેશે.
મીડિયોત્સવ ૨૦૨૫ની વિગતો આપતા સંસ્થાના નિયામક પ્રો (ડો) શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે સંસ્થાના વિદ્યાર્થીઓએ ગત વર્ષે શરૂ કરેલા આ કાર્યક્રમને ઉત્સાહવર્ધક આવકાર મળી રહ્યો છે. આ વર્ષે મિડીયોત્સવ ૨૦૨૫ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ, ડિબેટ, ન્યુઝ એન્કરિંગ, આર. જે., એડ-મેડ, ક્વિઝ, મોનો એક્ટ, ગ્રાફિક ડિઝાઇનિંગ, કન્ટેન્ટ ક્રિએશન, રેમ્પ વોક તેમજ કન્ટેન્ટ રાઇટીંગ અને પ્રયોગાત્મક એનિમેશનના વર્કશોપ પણ યોજાશે. મીડિયોત્સવ ૨૦૨૫ના ઉદ્ઘાટન સત્રમાં જાણીતા ફિલ્મમેકર અભિષેક જૈન મુખ્ય મહેમાનપદે રહેશે. આ ઉપરાંત ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલના ચેનલ હેડ ડો. વિવેક ભટ્ટ, સોશિયલ એમ્પ્લીફાયરના સ્થાપક વિવેક નથવાણી અને સેન્ટર ફોર પ્રોફેશનલ કોર્સિસ, ગુજરાત યુનિવર્સિટીના નિયામક ડો. પાવન પંડિત અતિથિવિશેષપદે રહેશે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપ જૈન અને ટ્રસ્ટીગણ વિશેષ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં યોજાનારી વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે મીડિયા અને મનોરંજન જગતના સુપ્રસિદ્ધ વ્યક્તિત્વો સર્વશ્રી અંકિત ગોર, દેવાંશી જોશી, સંજય ચક્રવર્તી, રાજીવ પટેલ, સુરેશ મિસ્ત્રી, ભૂષણ કંકલ, દેવાંગ ભટ્ટ, હર્ષ ભટ્ટ, મેઘના ઓઝા, નૈષધ પુરાણી સેવાઓ આપશે.કાર્યક્રમના પૂર્ણાહુતિ સમારોહમાં જાણીતા પોડકાસ્ટર શ્રી જય થડેશ્વર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રાધ્યાપકો નિલેશ શર્મા,શ્રી કૌશલ ઉપાધ્યાય, શ્રીમતી ગરિમા ગુણાવત, નાયબ નિયામક શ્રીમતી ઇલાબેન ગોહિલ, લાઇબ્રેરિયન માનસી સરવૈયા તથા સ્ટાફગણ, સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની ટીમો કાર્યરત છે.