સોમનાથ-ભાવનગર હાઈવે પર દેવલી ગામ પાસે 14 સિંહનો પરિવાર લટાર મારતો દેખાયો
- સિંહનો જોઈને હાઈવેની બન્ને બાજુ વાહનો ઊભા રહી ગયા,
- વાહનચાલકોએ સિંહનો લટાર મારતો વિડિયો બનાવીને વાયરલ કર્યો,
- જંગલમાં મચ્છરોના ત્રાસ વધતા ખુલ્લા મેદાનમાં સિંહો આવી જતા હોય છે,
ઊનાઃ ગીરના જંગલ ઉપરાંત રેવન્યુ વિસ્તારોમાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. હાલ વરસાદી સીઝનમાં જંગલમાં મચ્છરોને લીધે સિંહ જંગલ છોડીને મેદાની વિસ્તારોમાં લટાર મારવા નિકળતા હોય છે. ત્યારે સોમનાથ- ભાવનગર હાઇવે પર કોડીનારના દેવળી ગામ પાસે એક સાથે 14 જેટલા સિંહનો પરિવાર રોડ પસાર કરતો જોવા મળ્યો હતો. કોડીનાર-ઉના વચ્ચેના હાઇવે પર 14 સાવજો દેખાતા હાઈવેની બન્ને બાજુ વાહનોની કતારો લાગી ગઈ હતી. કેટલાક વાહનચાલકોએ સિંહની લટાર મારતે વિડિયો ઉતારીને સોશિયલ મિડિયામાં વાયરલ કર્યો હતો.
સોમનાથ-ભાવનગર હાઈવે પર દેવળી ગામ પાસે એક સાથે 14 સિંહ પરિવાર લટાર મારતો જોવા મળ્યો હતો. કહેવત છે કે, સિંહોના ટોળા ન હોય પરંતુ હવે તો આ સિંહોના ટોળાઓ પણ જોવા મળી રહ્યા છે. આવું જ એક અદભુત દ્રશ્ય કોડીનાર તાલુકાના દેવળી ગામ પાસે આવેલ ફોર ટ્રેક હાઇવે પર જોવા મળ્યું છે. જેમાં એક સાથે 14 જેટલા સિંહો રોડ પસાર કરતા જોવા મળી રહ્યા છે. જેનો વીડિયો રોડ પરથી પસાર થતા વાહન ચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં ક્લિક કર્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયો છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ ચોમાસાની સિઝનને લીધે ગીર જંગલ વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ હોવાથી વન્ય પ્રાણીઓ જંગલ વિસ્તાર છોડી ખુલ્લા મેદાન અને જાહેર જગ્યાએ પર વધુ જોવા મળી રહ્યા છે. જે બાદ તેઓ ક્યારેક રસ્તા પર ફરતા તો ક્યારેક આસપાસના ગામડામાં અને ખેતરમાં જોવા મળતા હોય છે. શિકારની શોધમાં ઘણીવાર સિંહો ગામમાં પહોંચી જતા હોય છે. ઊનામાં પણ તાજેતરમાં પાતાપુર ગામમાં સિંહોના આંટા-ફેરા જોવા મળ્યા હતા. ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સિંહ ગલીઓમાં શિકારની શોધમાં ફરતા કેદ થયા હતા. જે બાદ લોકોમાં ભય છવાયો હતો.