ભાવનગરના કોળિયાક હાઈવે પર તોતિંગ વૃક્ષ બોલેરો કાર પર તૂટી પડ્યુ, પ્રવાસીઓનો બચાવ
- બોલેરો કાર વૃક્ષ નીચે દબાઈ ગઈ,
- બોલેરો કારમાંથી 8 પ્રવાસીને બહાર કઢાયા,
- હાઈવે દોઢ કલાક સુધી બંધ રહેતા ટ્રાફિકજામ સર્જાયો
ભાવનગરઃ શહેર નજીક કોળીયાક-હાથબ હાઈવે પર બોલેરો કાર પસાર થઈ રહી હતી. ત્યારે રોડ સાઈડ પરનું એક તોતિંગ વૃક્ષ બોલેરો કાર પર તૂટી પડ્યુ હતુ. આ દુર્ઘટના સમયે બોલેરા કારમાં સવાર આઠ પ્રવાસીઓ કારમાં દબાયા હતા. તમામને સલામતરીતે કારમાંથી બહાર કઢાયા હતા. કોઈને ગંભીર ઈજા પહોંચી નહોતી.
આ બનાવની વિગત એવી છે કે, કોળીયાક-હાથબ હાઈવે પર બોલેરો કાર પસાર થઈ રહી હતી. ત્યારે રોડ સાઈડ પરનું એક તોતિંગ વૃક્ષ બોલેરો કાર પર તૂટી પડ્યુ હતુ. સદભાગ્યે બોલેરો કારમાં પ્રવાસ કરી રહેલા 8 પ્રવાસીઓનો બચાવ થયો હતો. વૃક્ષ ધરાશાયી થવાને કારણે હાઇવે રોડ દોઢ કલાક સુધી બંધ રહેતા વાહનચાલકોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાની જાણ થતા ગામના સરપંચ તાત્કાલિક દોડી ગયા હતા અને જીસીબીની મદદથી ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા સંભાળ રાખવામાં આવી અને હાઈવેને વાહનો માટે ખૂલ્લો કરવામાં આવ્યો હતો.
કોળિયાક ગામના સરપંચ જગદીશભાઈ સોલંકીએ જણાવ્યુ હતું કે, બોલેરોકાર પર વૃક્ષ તૂટી પડવાની ઘટનામાં ત્વરિત જેસીબી અને ગ્રામજનોની મદદથી ધરાશાયી થયેલ વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, દોઢ કલાકની ભારે જહેમત બાદ બંધ થયેલા રોડને ત્વરિત ખુલ્લો કરી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. જોકે આ દુર્ઘટનામાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.