કચ્છમાં નકલી EDના દરોડાકાંડ બાદ નકલી રોયલ્ટી કૌભાંડ પણ પકડાયું
- ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડનું ચેકિંગ,
- 5 શખસો સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ,
- નકલી પાસ બનાવીને બ્લેક ટ્રેપનું વહન કરાતું હતું
ભૂજઃ પૂર્વ કચ્છમાં નકલી ED બાદ વધુ એક નકલી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જિલ્લા ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે અંજારમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડ્યું છે. ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે અને સરકારના ધારા ધોરણ મુજબ ખનીજની રોયલ્ટી ભરવી ના પડે તે હેતુથી આરોપીઓ દ્વારા નકલી રોયલ્ટી બનાવવામાં આવી હતી. નકલી રોયલ્ટીને લઇને 5 શખ્સ વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કચ્છમાં કેટલાક વિસ્તારોમાં બેરોકટોક ખનીજ ચોરી થઈ રહી છે. ખનીજચોરો ખનીજ વિભાગના અધિકારીઓથી બચવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. ત્યારે ખનીજ વિભાગની ફ્લાંઈંગ સ્ક્વોર્ડએ નકલી રોયલ્ટીના કૌભાંડનો પડદાફાશ કર્યો હતો. સરકારના ધારા ધોરણ મુજબ ખનીજની રોયલ્ટી ભરવી ના પડે તે માટે લીઝ ધારક કિરણબેન રાજેશભાઈ ગજજર તથા પાવરદાર જગદીશભાઈ કાનજીભાઈ ચોટારાને ભુસ્તરશાસ્ત્રીની કચેરી અંજાર ખાતે ઇસ્યુ કરવામાં આવેલા રોયલ્ટી પેપર (સ્પેશીયલ સિક્યુરિટી પેપર) SSP નંબર-01KUT0997086 વાળુ લીઝ ધારક ચમનલાલ કરશનભાઈ હડીયાને આપી જે રોયલ્ટી પેપર (સ્પેશીયલ સિક્યુરીટી પેપર)માં લીઝ ધારક ચમનલાલ કરશનભાઈ હડીયાએ રોયલ્ટીપાસ બનાવટી બનાવ્યો હતો. બનાવટી પાસના આધારે ટ્રકમાં બ્લેક ટ્રેપ ખનીજ ભરી અને આ ટ્રક તપાસ ટીમમાં પકડાઈ જતા ટ્રકમાં ભરેલો ખનીજ અંગેનો બનાવટ રોયલ્ટી પાસના ટ્રક ચાલક પ્રદીપ પટેલ તથા તેના માલિક મુકેશ તેજાભાઈ હડીયાએ રજુ કર્યો હતો. તેમજ રોયલ્ટી પાસ બનાવટી ખોટું હોવાનું જાણતા હોવા છતા ખનીજ ઓવરલોડ વહન કરવા અંગેનુ ખોટુ સોગંદનામું રજુ કરી ટ્રકમાં કુલ-42.77 મેટ્રીક ટન બ્લેક ટ્રેપ ખનીજ વહન કરી ગુજરાત ખનીજ (ગર કાનૂની ખનન પરીવહન અને સંગ્રહ નિવારણ) નિયમ-2017 ના કલમ-21 મુજબ કિ.રૂ.3,19,779 ની ખનીજ ચોરી કરી ગુનો કર્યો છે.
ભૂસ્તર કચેરીના ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમમાં માઈન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મનોજકુમાર ઓઝાએ અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,25 નવેમ્બરના રોજ કચેરીના તપાસ ટીમ જેમાં ખુશાલીબેન જયંતીલાલ ગરવા રોયલ્ટી ઈન્સપેક્ટર તથા વિક્રમસિંહ સૂરસિંહ રાઠોડ સર્વેયરે અંજાર તાલુકાના તુણા પોર્ટ રોડપાસે ખનિજ ચોરી અંગેની તપાસમાં હતા, ત્યારે ચાર વાહનો રોયલ્ટી પાસ કહેતા વધુ બ્લેક ટ્રેપ ખનીજનો વહન કરતાં જણાઈ આવ્યું હતું. જે ચારે વાહનોને સીઝ કરવામાં આવ્યા હતા. ટ્રકના ચાલક પ્રદીપ પટેલ ટીમ સમક્ષ તેના વાહનમાં ભરેલા ખનીજ માટે રોયલ્ટી પાસ લીઝધારક ચમનલાલ હડિયાની લીઝનો રોયલ્ટી પાસ રજૂ કર્યું હતું. વાહનના માલિક બાલાજી ઇન્ફ્રાના પાર્ટનર મુકેશભાઈ હડિયા દ્વારા તેના વાહનમાં ભરેલા ખનીજના રોયલ્ટી પાસ કરતા વધુ જથ્થાના વહન કરવા બદલ 25 નવેમ્બરના રોજ 2.95 લાખના દંડની રકમ ભરપાઈ કરેલ હતી.
દરમિયાન ખાણ ખનીજ વિભાગની કચેરી દ્વારા દંડ વસૂલાત કર્યા બાદ વાહન મુક્ત કરવામાં આવ્યું હતું. રોયલ્ટી પાસની વધુ તપાસ કરતા ધ્યાનમાં આવ્યું હતું કે રોયલ્ટી પાસ 20 નવેમ્બરના રોજ લીઝ ધારક ચમનલાલ હડિયાની લીઝ ખાતેથી ઇસ્યુ થયું છે. જેથી વાહન ચાલક દ્વારા રજુ કરવામાં આવેલા ખોટા બનાવટી રોયલ્ટી પાસ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી આ રોયલ્ટી પાસનું કોરું પાનું જેના એસએસપી નંબર 01KUT0997086 વાળો પાસ કોણે ભૂસ્તર શાસ્ત્રીની કચેરી તરફથી ઈસ્યુ કર્યો છે તે રેકોર્ડમાં તપાસ કરતા ઉપરીનું પાનુ લીઝ ધારક કિરણબેન રાજેશભાઈ ગજજર નાઓની અંજાર તાલુકાની નાગલપર ગામની સર્વે નંબર-182માં આવેલું બ્લેક ટ્રેપ માઇન જેની લીઝને ઈસ્યુ કર્યું હોવાનું રેકોર્ડ પરથી જણાઈ આવ્યું હતું. તમામ આરોપીઓ વિરૂદ્ધ ખનીજ ચોરી કરી ગુનો કર્યો હોવાથી માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ-1953 ના નિયમ 4 (1) અને 4(1)(એ) ના ભંગ બદલ કલમ 21 મુજબ સજાની જોગવાઈ, ગુજરાત ખનિજ (ગેરકાયદેસર ખાણકામ, હરફે ૨ અને સંગ્રહ નિવારણ) નિયમો- 2017 ના નિયમ 3, 5 અને 7 ના ભંગ બદલ કલમ 21 મુજબ તથા ભારતીય ન્યાય સંહીતાની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.