For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દહેગામ રોડ પર ડમ્પરે બાઈકને અડફેટે લીધા બાદ ST બસને ટક્કર મારી, બસે ખાધી પલટી

04:22 PM Nov 24, 2025 IST | Vinayak Barot
દહેગામ રોડ પર ડમ્પરે બાઈકને અડફેટે લીધા બાદ st બસને ટક્કર મારી  બસે ખાધી પલટી
Advertisement
  • દહેગામના સોલંકીપુરા ગામ પાસે સર્જાયો અકસ્માત,
  • બાઈકચાલક ઓવરટેક કરવા જતાં ડમ્પરએ અડફેટે લીધો,
  • બસના ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ગાંધીનગરઃ દહેગામ રોડ ઉપર આવેલા સોલંકીપુરા ગામ નજીક  ડમ્પર ટ્રકના ચાલકે પૂર ઝડપે બાઇકને અડફેટે લીધા બાદ બે એસટી બસોને ટકકર મારી હતી. આ ટક્કરના કારણે મોડાસા રૂટની બસ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં 40 જેટલા મુસાફરોએ બુમાબુમ કરી મુકી હતી. જોકે સ્થાનિકોએ સમયસૂચકતા વાપરી તમામ મુસાફરોને બસની બહાર કાઢી લીધા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસનો દોર હાથ ધર્યો છે.

Advertisement

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે,  દહેગામ-મોડાસા રૂટ પર સોલંકીપુરા ગામ નજીક સિંગલ પટ્ટી રોડ પર ઝાડનું ટ્રીમિંગનું કામ ચાલી રહ્યું હતું. આ કામગીરીને કારણે રોડ પર ટ્રાફિક ધીમો પડતાં બે બસો ઊભી રહી હતી. આ દરમિયાન એક બાઇક ચાલકે ઉતાવળમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ટ્રકે પહેલા ઓવરટેક કરી રહેલા બાઇકને અડફેટે લીધું હતું. બાઇકને ટક્કર માર્યા બાદ ડમ્પરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ સંપૂર્ણપણે ગુમાવી દીધો હતો. જેના લીધે ડમ્પરે રોડ સાઇડ ઊભેલી બે બસોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મોડાસા રૂટની મુસાફરોથી ભરેલી બસ પલટી ખાઈને રોડની બાજુમાં પડી ગઈ હતી.

આ અકસ્માતના પગલે મુસાફરોની ચીસાચીસથી માહોલ ગુંજી ઊઠ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઝડપથી બસમાં ફસાયેલા તમામ મુસાફરોને બહાર કાઢીને તેમનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતમાં મોટાભાગના મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ અકસ્માતના બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને જરૂરી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે દહેગામ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  દહેગામ રોડ પર સર્જાયેલી અકસ્માતના બનાવમાં હાલુસિંહ બાબુસિંહ ઝાલા, જીતુભાઈ બી. પંડ્યા, યસ્મીનબાનુ, રહીમખાન અબ્દુલ પઠાણ, કૌશલ્યાબેન વેલજીભાઈ રોહિત, જ્યોતિબેન ચુનારા અને રસિકભાઈ ચુનારાને પગ, નાક, છાતી અને કમરના ભાગે ઈજાઓ પહોંચી છે. તમામને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. મોટાભાગના મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જ્યારે કેટલાકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ અકસ્માત અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement