વડોદરાના બિલથી ચાપડ જતા રોડ પર પૂરફાટ ઝડપે ડમ્પર મકાનમાં ઘૂંસી ગયુ
- રોડ પર વળાંકમાં ડમ્પરચાલકે કાબુ ગુમાવ્યો
- લોકોએ રોડ પર દોડતા ડમ્પર અટકાવીને વિરોધ કર્યો
- પૂર ઝડપે દોડતા ડમ્પરચાલકો સામે પગલાં લેવા માગ
વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં બિલથી ચાંપડ જતા રોડ પર વળાંકમાં પૂરફાટ ઝડપે જતું ડમ્પર એક મકાનની કમ્પાઉન્ડની દીવાલ સાથે અથડાયું હતું. જો કે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નહતી પણ લોકોના ટોળાં એકઠા થયા હતા. લોકોએ રોડ પર ડમ્પરોને અટકાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વડોદરા શહેર અને નજીકના વિસ્તારમાં નિયત સમયનો પ્રતિબંધ હોવા છતાં ડમ્પરો પૂરફાટ ઝડપે દોડતા રહે છે તેને કારણે નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે. શનિવારે બિલથી ચાપડ તરફ જતા રોડ પરના વળાંક પર આવેલા મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે ડમ્પર અથડાયુ હતું. આ બનાવ બન્યા બાદ વિફરેલા રહીશોએ રોડ પર દોડતા ડમ્પરોને અટકાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમન માટે ભારદારી વાહનોને દોડાવવા માટે સમય નિયત કરવામાં આવ્યો છે. તેમ છતાં ગેરકાયદે વાહનો દોડતા રહે છે તેના લીધે નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. બિલથી ચાપડ જવાના રોડ પર પૂરફાટ ઝડપે ડમ્પર રહ્યું હતું ત્યારે ચાલકે પોતાના ડમ્પર પરનો કાબુ ગુમાવ્યો હતો. તેને કારણે ડમ્પર નજીકના મકાન તરફ ધસી ગયું હતું. સદનસીબે ચાલકથી બ્રેક લાગી જતા જોરદાર અવાજ સાથે ડમ્પર અટકી ગયું હતું. જોકે જોનારના જીવ ઉભડક થઈ ગયા હતા. અને વાહન ચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. ગભરાયેલા મકાનના રહીશો બહાર ધસી આવ્યા હતા. આ અકસ્માતના બનાવથી એકઠા થયેલા લોકોએ ડમ્પરોને આગળ વધતા અટકાવી દીધા હતા. અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં 19 જેટલા બ્લેક સ્પોટ અકસ્માત ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમ છતાં અકસ્માતો રોકવામાં ટ્રાફિક પોલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. અત્યારે પોલીસ દ્વારા ડમ્પરચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.