માણસા કોલેજના કાર્યક્રમમાં ભાજપના જયરાજસિંહ પરમાર અને પૂર્વ રાજવી વચ્ચે વિવાદ સર્જાયો
- જયરાજસિંહે ક્ષત્રિયોનો ખોટો ઈતિહાસ બતાવતા માણસાના રાજવી ગુસ્સે થયા,
- ક્ષત્રિય સમાજના ઇતિહાસને લઈને બન્ને અગ્રણીઓ વચ્ચે તું-તું મેં-મેં થઈ હતી,
- માણસાના રાજવી યોગરાજસિંહ રાઓલ ચાલુ કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા
ગાંધીનગરઃ જિલ્લાના માણસાની કોલેજના એક કાર્યક્રમમાં ભાજપના નેતા જયરાજસિંહ પરમાર અને માણસાના રાજવી યોગરાજસિંહ રાઓલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ક્ષત્રિય સમાજના ઇતિહાસ વિષયક પ્રવચનમાં ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે ભારતમાં પહેલેથી જ વર્ણવ્યવસ્થા ગોઠવાયેલી હતી એ મુજબ ક્ષત્રિયોની જવાબદારી સમાજની રક્ષાની હતી, પરંતુ અંધશ્રદ્ધાઓ અને વર્ણભેદને કારણે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ બન્યો. સ્ટેજ પર દેશમાં ગુલામી મુદ્દે ક્ષત્રિયોનો ઉલ્લેખ કરતા માણસાના રાજવીએ વિરોધ દર્શાવ્યો હતો. ભાજપના નેતા ખોટો ઈતિહાસ કહેતા હોવાનું જણાવી વિરોધ કર્યો હતો.
ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમાર વિવાદમાં સપડાયા છે. ગાંધીનગર જિલ્લાના માણસામાં 11 ઓગસ્ટના રોજ કોલેજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના ઇતિહાસ વિષયક પ્રવચનમાં ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે ભારતમાં પહેલેથી જ વર્ણવ્યવસ્થા ગોઠવાયેલી હતી એ મુજબ ક્ષત્રિયોની જવાબદારી સમાજની રક્ષાની હતી, પરંતુ અંધશ્રદ્ધાઓ અને વર્ણભેદને કારણે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ બન્યો. આ સમયે જયરાજસિંહ પરમાર અને માણસા સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાઓલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાજવીએ તેમને ચાલુ ભાષણમાં અટકાવતાં કહ્યું હતું કે તમે ક્ષત્રિય સમાજ વિશે ખોટી વાત ફેલાવી રહ્યા છો. પાંચ મિનિટ સુધી તેમની વચ્ચે ક્ષત્રિય સમાજના ઇતિહાસને લઈને તું-તું મેં-મેં થઈ હતી. બાદમાં માણસાના રાજવી યોગરાજસિંહ રાઓલ ઊભા થઈને ચાલુ કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા હતા. બંને વચ્ચે વિવાદ વધે નહીં એ માટે કાર્યક્રમમાં હાજર અન્ય લોકો દ્વારા સમજાવીને બંનેને શાંત પાડવામાં આવ્યા હતા.
ભાજપના સહ પ્રવકતા અને ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે માણસા કોલેજ ખાતે અલગ-અલગ સર્ટિફિકેટ કોર્સ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે હું ગયો હતો. માણસા સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાઓલ પણ પોતે સ્થાનિક હોવાના કારણે તેમને બોલાવવામાં આવ્યા હતા. મુખ્ય વક્તા તરીકે હું હતો. 5000 વર્ષ જૂનો આપણો ઇતિહાસ છે. આપણો દેશ સોનાની ચિડિયા કહેવાતો હતો ને અફઘાનિસ્તાન સુધી આપણું શાસન હતું. આપણે ગુલામ થયા હતા અને અનેક લોકોએ આપણી ઉપર રાજ કર્યું છે, એવી મેં વાત કરી હતી. માત્ર ક્ષત્રિયોના ભાગે જ લડવાનું આવ્યું હતું. તેની જવાબદારી માત્ર ક્ષત્રિયો પર હતી, જેથી ધીમે-ધીમે ક્ષત્રિયો ઓછા થતા ગયા અને સંખ્યા ઓછી થઈ, જેથી ક્ષત્રિય સમાજ જે નાનો વર્ગ છે, જે લડતો હતો. બાકી બધા પોતપોતાનાં કામમાં પરોવાયેલા હતા, જેથી આપણે ગુલામ થયા હતા. બાદમાં આપણે ફરી આઝાદી મેળવીને આઝાદ પણ થયા હતા.