કોંગ્રેસના પોસ્ટરમાં ભારતના નકશામાં અડધુ કાશ્મીર દર્શાવાતા વિવાદ સર્જાયો, ભાજપાએ કોંગ્રેસ ઉપર કર્યાં પ્રહાર
કોંગ્રેસના બેલગવી અધિવેશનમાં પોસ્ટર પર પ્રદર્શિત ભારતના નકશાને લઈને દેશભરમાં રાજકારણ ગરમાયું છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે પોસ્ટરમાં કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. BJP IT સેલના વડા અમિત માલવિયાએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “Belagavi ઇવેન્ટમાં કોંગ્રેસે તેના તમામ હોર્ડિંગ્સ પર ભારતનો અધૂરો નકશો મૂક્યો હતો. તે પોસ્ટરમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અને અન્યની તસવીરો સામેલ કરવામાં આવી છે, જેમાં કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે.
કોંગ્રેસ બીજી મુસ્લિમ લીગ- ભાજપ
અમિત માલવિયાએ કહ્યું, "કોંગ્રેસના કાર્યક્રમમાં આ ભૂલ ન હોઈ શકે. તે એક નિવેદન છે. તે તેમની તુષ્ટિકરણની રાજનીતિનો એક ભાગ છે, જે માને છે કે ભારતીય મુસ્લિમો ભારત કરતાં પાકિસ્તાન પ્રત્યે વધુ વફાદાર છે." અમિત માલવિયાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ બીજી મુસ્લિમ લીગ છે અને ભારતને ફરીથી તોડવા માંગે છે.
સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસને સવાલો કર્યા
ભાજપના રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પણ બેલગામી કોંગ્રેસના સંમેલનના હોર્ડિંગ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, "આખો દેશ વીર બાલ દિવસની ઉજવણી કરી રહ્યો છે, પરંતુ આ અવસર પર વધુ એક તસવીર સામે આવી રહી છે, જે ખૂબ જ દુઃખદ છે. બેલગામીમાં કોંગ્રેસની CWCની બેઠક ચાલી રહી છે. ત્યાં કર્ણાટક કોંગ્રેસે મહાત્મા ગાંધીના ફોટા સાથે ભારતનો ખોટો નકશો લગાવ્યો છે, જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાઈ ચીન નકશામાંથી ગાયબ છે." તેમણે કોંગ્રેસને પૂછ્યું, “કોના આદેશ પર આ સતત કામ થઈ રહ્યું છે, શું કોઈ સોરોસ કનેક્શન છે?
શું છે કોંગ્રેસનું બેલગવી સત્ર?
કર્ણાટકના બેલાગવી સંમેલનના બેનરો પર છપાયેલા ભારતના નકશામાંથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીનના વિસ્તારો ગાયબ છે. 1924માં મહાત્મા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યાની 100મી વર્ષગાંઠના અવસર પર, કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકના બેલાગવીમાં CWCની વિશેષ બેઠકનું આયોજન કર્યું છે. 100 વર્ષ પહેલા મહાત્મા ગાંધીએ બેલગવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની અધ્યક્ષતા કરી હતી.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કોંગ્રેસના આ કાર્યક્રમ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “આ બે અલગ-અલગ કોંગ્રેસ છે, આ જનવિરોધી કોંગ્રેસ છે અને તે રાષ્ટ્રવાદી કોંગ્રેસ છે. આ લોકોને ઉજવણી કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી, પરંતુ તેઓ ઉજવણી કરી રહ્યા છે."