અડાલજમાં એક કંપનીના મેનેજરે ઓનલાઈન પાર્ટટાઈમ જોબની લાલચમાં 15.25 લાખ ગુમાવ્યા
- ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો દાખલ,
- પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને 43,512ની રકમ રિકવર કરી,
- કંપનીના મેનેજરને ટેલિગ્રામ ગૃપમાં એડ કરીને પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી હતી
ગાંધીનગરઃ જિલ્લાના અડાલજ ખાતે રહેતા ગોલ્ડલોન કંપનીના મેનેજર તરીકે નોકરી કરતા પાર્થ જશવંતભાઈ પંચોલીને ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબની લાલચ આપીને સાયબર માફિયાઓએ 15.25 લાખની ઠગાઈ કરતા ફરિયાદ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ત્વરિત કામગીરી કરીને રૂપિયા 43,512ની રકમ રિકવર કરવામાં સફળતા મળી હતી.
આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરના અડાલજમાં સ્વાગત સીટી કોમ્પલેક્ષમાં આવેલી આઈ.આઈ.એફ.એલ ગોલ્ડલોન કંપનીમાં મેનેજર તરીકે પાર્થ જશવંતભાઈ પંચોલી ફરજ બજાવે છે. જે ગત તા. 27 જુન, 2025ના રોજ એક અજાણ્યા નંબરથી પાર્થને 'H154' નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં હોટેલ અને રેસ્ટોરન્ટના ઓનલાઈન રિવ્યુ માટે પાર્ટ-ટાઈમ જોબની જાહેરાત મૂકવામાં આવી હતી.જેમાં પાર્થને એડમાં રસ પડ્યો અને શરૂઆતમાં તેને 'Vineeta Sharma' નામની એક વ્યક્તિ (ટેલિગ્રામ આઈડી: Official_Vineeta_S18) સાથે વાતચીત કરવા માટે એક લિંક મોકલવામાં આવી હતી. અને બેઝિક વિગતો જાણ્યા પછી તેમને '4026 CBOE TASK GROUP' નામના ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા.આ ગ્રુપમાં ટાસ્ક પૂર્ણ કરવા માટે અલગ અલગ લિંક્સ મોકલવામાં આવતી હતી. જેનું પ્રથમ ટાસ્ક પૂર્ણ કરતા પાર્થના ખાતામાં 150 જમા થયા હતા. આમ માત્ર 150 ખાતામાં જમા થતા પાર્થને વિશ્વાસ આવી ગયો હતો. અને તેમને 'CRYPTO GLOBE' નામની વેબસાઈટ પર યુઝરનેમ અને પાસવર્ડ બનાવડાવી ટાસ્ક પૂર્ણ કરવા કહેવામાં આવ્યું હતું .આ પેઈડ ટાસ્ક મેળવવા માટે પાર્થ પંચોલીએ જુદા-જુદા 10 બેંક ખાતાઓમાં તારીખ 27, જૂન 2025 થી 1, જુલાઈ 2025 સુધીમાં કુલ રૂ. 15,69,313 ટ્રાન્સફર કરી દીધા હતા.
આ રકમ ટ્રાન્સફર કર્યા બાદ તેમના 'CRYPTO GLOBE' એકાઉન્ટમાં રોકાણ અને નફા સાથે 20 લાખનું બેલેન્સ ડિસ્પ્લે થવા લાગ્યું હતું. જ્યારે પાર્થે આ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો તો રકમ ઉપડી શકી નહીં અને તેમને વધુ 8.95 લાખ ભરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે પાર્થને અહેસાસ થયેલો કે પોતાની સાથે સાયબર ફ્રોડ થયો છે. જેથી પાર્થએ ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન પાર્થ પંચોલીએ એક આરોપીના ખાતામાં ટ્રાન્સફર કરેલા રૂ. 45,512 રિકવર કરવામાં પોલીસને સફળતા મળી હતી. પરંતુ હજી 15,25,801 પરત મળ્યા નથી. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.