વડોદરામાં ખાણ-ખનીજ વિભાગનો કારકૂન બે લાખની લાંચ લેતા પકડાયો
- રોયલ્ટી ઈન્સ્પેક્ટર સહિત 4 સામે લાંચનો ગુનો નોંધાયો
- એસીબીએ કારકૂન સહિત બેની કરી ધરપકડ
- રેતીનો સ્ટોક કરવાની પરવાનગી આપવા લાંચની માગણી કરી હતી
વડોદરાઃ ખાણ-ખનીજ વિભાગમાં પણ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં ખાણ-ખનીજ વિભાગનો સિનિયર કારકૂન રૂપિયા બે લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ પકડાઈ ગયો હતો. લાંચની રકમ રોયલ્ટી ઈન્સ્પેકટર સહિત ચાર અધિકારીઓ વચ્ચે વહેચવાની હતી. લાંચ લેતા પહેલા જ કારકૂને અધિકારીઓ સાથે વાત કરી હતી. એટલે એસીબીએ કારકૂન સહિત ચાર સામે ગુનો દાખલ કરીને કારકૂન સહિત બેની ધરપકડ કરી છે.
એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા ખાણ-ખનીજ વિભાગના સિનીયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રૂપિયા 2 લાખની લાંચ લેતાં ઝડપી પાડયો હતો. લાંચની રકમ આવ્યા બાદ રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ભુસ્તર શાસ્ત્રી સહિત સંબંધિત ચાર ભાગીદાર અધિકારીઓ અને કર્મચારીઓને જાણ કરતા એસીબીએ અન્ય ત્રણ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. રેતીનો સ્ટોક કરવા માટેની પરવાનગી આપવા માટે લાંચ માગી હતી.
આ બનાવની વિગતો એવી હતી કે, ફરિયાદીએ વડોદરામાં કુબેર ભુવન આઠમા માળે આવેલી ખાણ-ખનીજ વિભાગ ખાતે રેતીનો સ્ટોક કરવા અંગેની ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીના કામે આ કામના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલને મળ્યા હતાં. જેઓએ ફરિયાદીની અરજી મંજૂર કરવાના કામ માટે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે રૂપિયા 2 લાખની લાંચની માંગણી કરી હતી. જે લાંચની માંગણીની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે વડોદરા એ.સી.બી.ના મદદનીશ નિયામક પરેશ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ રાજપીપળા એસીબીના પીઆઇ ડી.ડી. વસાવાએ સ્ટાફની મદદથી 12 મે, 2025 ના રોજ લાંચના છટકાનુ આયોજન કર્યું હતું. સિનીયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલે ફરિયાદીને લાંચની રકમ લઇ પ્રેમાવતી, રેસ્ટોરન્ટ, BAPS હોસ્પિટલ, વડોદરા ખાતે બોલાવ્યો હતો. જ્યાં તે ફરિયાદી પાસેથી પંચો સમક્ષ હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો.
એસીબીના સૂત્રોએ વધુમાં જમાવ્યું હતું કે, લાંચની રકમ કારકૂનને મળ્યા બાદ તેણે સ્ટાફના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓને પણ રૂપિયા 2 લાખ આવી ગયા હોવાની ટેલિફોનથી જાણ કરી હતી. આથી એસીબીએ આ લાંચ લેવાના કેસમાં અન્ય ત્રણ સામે પણ ગુનો દાખલ કર્યો છે. હાલમાં ACBએ બે લોકોની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એસીબીએ યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, સિનિયર ક્લાર્ક વર્ગ-3, ખાણ-ખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ વડોદરા, રવિકુમાર કમલેશકુમાર મિસ્ત્રી મદદનીશ ભુસ્તર શાસ્ત્રી, કિરણ કાન્તીભાઈ પરમાર, આઈ.ટી. એક્ઝીક્યુટીવ વર્ગ-3 ખાણ-ખનીજ વિભાગ, અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ ખાણ-ખનીજ વિભાગ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.