કચ્છમાં સામખિયાળી હાઈવે પર કન્ટેનર ટ્રેલરમાં બેગ તૂટી જતા એરંડિયા તેલની રેલમછેલ
- 500 મીટર સુધી હાઈવે લપસણો થતાં અનેક વાહનો સ્લીપ થયાં,
- લોકો દીવેલનું તેલ લેવા વાસણો લઈને દોડી આવ્યા,
- પોલીસે ટ્રેકટર ભરીને રોડ પર રેતી પાથરી
ભૂજઃ કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસે સવારના સમયે પાલનપુર તરફથી આવતા કન્ટેનર ટ્રેલરમાં અચાનક એરંડિયુ તેલ ભરેલી બેગ તૂટી જતા તેલ હાઈવે પર 500 મીટરમાં ઢોળાયું હતુ. તેના લીધે હાઈવે લપસણો બનતા અનેક વાહનો સ્લીપ થયા હતા. જ્યારે બીજી બાજુ આજુબાજુના સ્થાનિક લોકો ઢોળાયેલુ દીવેલ ભરવા માટે ખાલી વાસણો લઈને દોડી આવ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ના સર્જાય તે માટે સામખિયાળી ટોલ પ્લાઝાની હાઇવે ટીમ અને સ્થાનિક પોલીસે હાઈવે પર રેતી પથરાવાની કામગીરી કરી હતી.
આ બનાવની વિગતો એવી છે. કે કચ્છના સામખિયાળી નજીક પાલનપુર તરફથી આવતા એરંડિયું તેલ ભરેલા કન્ટેનર ટ્રેલરમાં તેલ ભરેલી બેગ અચાનક ફાટી જતા તેમાં રહેલુ દીવેલ તેલ ચામુંડા હોટેલથી પોલીસ સ્ટેશન સુધીના હાઈવે પર ઝોળાયું હતુ. આ માર્ગેથી પસાર થતા વાહન ચાલકોને રોકવા છતાં આગળ નીકળી જતા સ્લીપ થયા હતા. દરમિયાન સામખયાળી ટોલ પ્લાઝાના અધિકારી પરમાર અને શૈલેષ રામીના માર્ગદર્શનમાં હાઇવે પેટ્રોલિંગની ટીમ બચાવના પ્રયાસમાં લાગી હતી, દરમિયાન સામખયાળી પોલીસના જવાનો પણ દોડી આવ્યા હતા.હાઈવે ઉપર ઢોળાયેલા તેલને રેતીની ચાદર વડે કવર કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે બીજી તરફ કન્ટેનરમાંથી લીક થતું દીવેલ મેળવવા લોકો પડાપડી કરી રહ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્રેલરમાં તેલ ભરેલી એક મોટી બેગ હોતી હોય છે. જેમાં અંદાજિત 22000 હજાર લીટર જેટલું તેલ ભરવામાં આવે છે. જેને ધારગાર હથિયાર મારો તો પણ તૂટતી નથી હોતી. જોકે, આ ટ્રેલરમાં કંઇ રીતે બેગ તૂટી એ હજી તપાસનો વિષય છે.