સુરતમાં પૂરફાટ ઝડપે કારે 5 વાહનોને અડફેટે લઈ 6 લોકોને ઉડાવ્યા, બેના મોત
- પૂરફાટ ઝડપે કારે ડિવાઈડર કૂદાવીને રોડ પર 5 વાહનોને ટક્કર મારી
- સ્થાનિક લોકોના કહેવા મુજબ કારમાં સવાર યુવાનો નશાની હાલતમાં હતા
- લોકોએ એક યુવાને પકડીને પોલીસ હલાવે કર્યો, અન્ય યુવાનો નાશી ગયા
સુરતઃ શહેરમાં નબીરાઓ દ્વારા બેફામ અને પુર ઝડપે કાર ચલાવતા હોવાને કારણે રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના રિંગ રોડના વાલક બ્રિજ ઉપર ગત મોડીરાત્રે ગમખ્વાર સર્જાયો હતો. પૂરપાટ ઝડપે કાર ડિવાઈડર કૂદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનોને હડફેટે લઈ છ વ્યક્તિને ઉડાવ્યો હતા. આ ઘટનામાં છ ઈજાગ્રસ્તમાંથી એકનું ઘટનાસ્થળે, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘવાયેલી ચાર વ્યક્તિની સારવાર ચાલી રહી છે. બન્ને મૃતકો સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર ગત મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. બાદમાં પૂરપાટ ઝડપે કાર ડિવાઈડર કૂદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન કારએ સામેના રોડે આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અડફેટે લીધા હતાં. જેમાં બે સગા ભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ સિવાય એક મહિલા સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. સમગ્ર મામલે આસપાસના લોકોએ એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
કારનો અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાંખરા છે અને તેનો પુત્ર કિર્તન ડાંખરા કાર ચલાવતો હતો. મૃતકના પરિજનના જણાવ્યાં મુજબ, કારમાં એક યુવતી અને ત્રણ યુવકો સવાર હતાં. કારની સ્પીડ 130થી 150 હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક કર્યુ હોવાનું લાગતું હતુ. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકી બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા (ઉં.વ.42) અને અશ્વિનભાઈ બાલુભાઇ સાપોલિયા (ઉં.વ.48)નું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતમાં કારનો આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો. આ સાથે જ અડફેટે આવેલા વાહનોનો પણ કડુચલો બોલી ગયો હતો. બનાવની જાણ થતા લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં ચાર જેટલા યુવાનો સવાર હતા. તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે ચાલક અને અન્ય યુવકો ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજ ડાખરા છે અને તેનો પુત્ર કિર્તન ડાખરા કાર ચલાવતો હતો.