લખતરના નજીક નર્મદા કેનાલના રોડ પર કારે સિંચાઈ માટેના ત્રણ એન્જિન મશીનને ટક્કર મારી
- ખેડૂતોએ કેનાલ પર એન્જિન મશીન મુક્યા હતા
- લીલાપુર તરફ જતી કારે એન્જિન મશીન સાથે અથડાઈ
- અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો
સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતરના કડુ નજીક નર્મદાની વલ્લભીપુર શાખા નહેરના સમાંતર રોડ પર ગઈકાલે રાતના સમયે અકસ્માત સર્જાયો હતો. એક કારચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી પિયત માટે નહેર કિનારે મૂકેલા ત્રણ એન્જિન મશીનોને હડફેટે લીધા હતા. અકસ્માત બાદ કારચાલક કાર મુકીને નાસી ગયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, લખતરથી કડુ ગામ નજીક નર્મદા કેનાલ સમાંતર નાનો રોડ બનાવેલો છે. અને લીલાપુર, ઢાંકી સહિતના ગામો તરફ જવા માટે વાહનચાલકો આ રોડ પરથી જતા હોય છે. ગઈકાલે રાતના સમયે એક કાર કેનાલ પરથી લીલાપુર તરફ જઈ રહી હતી ત્યારે ચાલકે ગફલતભરી રીતે કાર ચલાવતા કેનાલ પર મુકેલા મશીનો સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણેય એન્જિન મશીનોને ભારે નુકસાન થયું હતું. કાર પણ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. અકસ્માત સર્જી કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાને પગલે આસપાસના ખેડૂતોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માતને કારણે રોડ પર આવી ગયેલા મશીનોને લીધે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ખેડૂતોએ મહામુસીબતે મશીનોને સાઈડ પર ખસેડી રસ્તો પુનઃ ચાલુ કરાવ્યો હતો. ખેડૂતો દ્વારા અકસ્માત સર્જીને નાસી છૂટેલા કારચાલક પાસેથી નુકસાન પામેલા એન્જિન મશીનોની ભરપાઈ કરવા અંગેની માંગ કરવામાં આવી છે.