સુરતના ડૂમસના દરિયા કિનારે કાર રેતીમાં ફસાઈ અને મોજુ આવતા ડૂબવા લાગી
- યુવાનો મર્સિડીઝ કારને ગરિયા કિનારે ઉતારીને સ્ટંટ કરતા હતા,
- પાણી અને રેતીમાં ફસાઈ જતાં કાર અડધી ગરકાવ થઈ ગઈ,
- સોશિયલ મિડિયામાં વિડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી
સુરતઃ શહેર નજીક આવેલા ડુમસ દરિયા કિનારે કેટલાક યુવાનો મર્સિડીઝ કારને રેતીમાં ઉતારીને સ્ટંટ કરતા કાર રેતીમાં ફસાય જાય છે. તે દરમિયાન મોજુ આવતા કાર ડૂબવા લાગે છે. આ અંગેનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ડુમસના દરિયા કિનારે નહાવા સહિતનો પ્રતિબંધ હોવા છતાં એક મર્સિડીઝ કાર દરિયા કિનારે ઉતારી દેવામાં આવી હતી, જે પાણી અને રેતીમાં ફસાઈ જતાં અડધી ગરકાવ થઈ ગઈ હતી. આ ઘટનાએ ડુમસ પોલીસના દરિયાઈ પેટ્રોલિંગના દાવાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ બનાવની વિગતો એવી છે કે, કેટલાક યુવાનો ફાસ્ટ ડ્રાઈવિંગ અને સ્ટંટના શોખમાં લાખો રૂપિયાની મર્સિડીઝ કાર લઈને ડુમસ દરિયા કિનારે પહોંચી ગયા હતા. દરિયા કિનારે કાર ચલાવવાના ચક્કરમાં તેમની મર્સિડીઝ કાર પાણીમાં ફસાઈ ગઈ અને અડધી રેતીમાં ગરકાવ થઈ ગઈ હતી. કારને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હોવાનું મનાય છે.આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચર્ચાનો વિષય બન્યો છે. સવાલ એ થાય છે કે, દરિયા કિનારે વાહન પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, આ કાર ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકી? શું પોલીસનું દરિયાઈ પેટ્રોલિંગ ફક્ત કાગળ પર જ છે?
આ મામલે ટ્રાફિકના એસીપીએ જણાવ્યું હતું કે, "હાલ એક વીડિયો સામે આવ્યો છે, જે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. આ વીડિયો ક્યારનો છે અને ગાડી કોની માલિકીની છે, તે અંગેની તપાસ માટે પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપવામાં આવી છે.