ધોરડા નજીક 6 રિસોર્ટમાં 160 પાકા ભૂંગા પર બુલડોઝર ફરી વળ્યું
- દિવાળીની સીઝન ટાણે જ ખાનગી રિસોર્ટ પરના ભૂંગા તોડી પડાયા,
- મહેસુલ વિભાગ દ્વારા દબાણો હટાવી દેવાની નોટિસ આપવામાં આવી હતી,
- 54 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ
ભૂજઃ કચ્છમાં ધોરડો વિસ્તારનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. સફેદ રણનો નજારો માણવા માટે હવે દેશ-વિદેશમાંથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે. જો કે આ વખતે કચ્છમાં પડેલા ભારે વરસાદને લીધે હજુપણ ધોરડોના રણ વિસ્તારમાં પાણી ભરાયેલા છે. લાખો પ્રવાસીઓ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં રણોત્સવની મુલાકાતે આવતા હોય છે. ત્યારે આ વખતે ભરાયેલા પાણીને કારણે રણોત્સવ પર એની અસર પડે એવી શક્યતા છે, બીજી બાજુ ધોરડો આસપાસના વિસ્તારોમાં ખાનગી રિસોર્ટ પર બનાવેલા ગેરકાયદે ભૂંગા (પ્રવાસીઓ માટે રહેણાંક મકાનો)ને તોડી પાડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા 6 રિસોર્ટમાં 160 ભૂંગા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતુ.
દિવાળી પછી સફેદ રણની ચાંદની માણવા માટે લાખો સહેલાણીઓ ધોરડોની મુલાકાતે આવતા હોય છે. ખાસ કરીને પ્રવાસીઓ કચ્છી ભૂંગામાં રહેવાનું વધારે પસંદ કરે છે આ કારણોથી ધોરડો આસપાસ રિસોર્ટ અને તંબુનગરીની બોલબાલા વધી છે. હાઈટેક તંબુમાં ભાવ પણ આસમાને હોય છે ત્યારે ધોરડો નજીક ખાનગી રિસોર્ટમાં ગેરકાયદે બંધાયેલા ભૂંગા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે.
ધોરડોમાં વોચ ટાવર જતા માર્ગે બીએસએફ ચેક પોઇન્ટ નજીક ગેરકાયદે રીતે રિસોર્ટ ઉભા કરી લાઈટ-પાણીના કનેક્શન મેળવી ભૂંગા બનાવવામાં આવ્યા હતા.મહેસુલ વિભાગ દ્વારા આ દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી.જોકે સ્વેચ્છાએ દબાણ ન હટતા તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.જેમાં 6 રિસોર્ટના કુલ 160 ભૂંગા તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી 54 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે હજી પણ આ કાર્યવાહી ચાલુ રહેશે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહેસુલ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સૂત્રોના કહેવા મુજબ ખાનગી રિસોર્ટ ઊભા કરીને કેટલાક વગદાર લોકોએ ભાડાપટ્ટા પર આ જમીન મેળવવા માટે અરજી કરાઈ હતી જે નામંજૂર થઈ હતી છતાં રિસોર્ટ ઉભા કરી દબાણ કરવામાં આવ્યું હતું.એક જગ્યાએ તો હજી નવું બાંધકામ કરવાનું હોય તેમ સળિયા અને રેતીના ઢગલા જોવા મળ્યા હતા.મોટાભાગે પાકું બાંધકામ હતું જે દૂર કરી જમીન ખુલ્લી કરાવાઇ છે.