જામનગરમાં નવી કાર ખરીદવા નીકળેલા સાળા-બનેવીનું અકસ્માતમાં મોત
- જામનગરના ઠેબા ચોકડી પાસે ઈકોકાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો,
- બનાવની જાણ થતાં જ પોલીસ દોડી આવી,
- ઈકોકારના ચાલક સામે ગુનોં નોંધાયો
જામનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાલાવડના વતની સાળા-બનેવીના મોત નીપજ્યા હતા. કાલાવાડથી નવી કારની ખરીદી માટે સાળો-બનેવી બાઈક પર જામનગર આવી રહ્યા હતા, જે દરમિયાન ઠેબા ચોકડી પાસે ગોજારો અકસ્માત સર્જાતાં બંનેના કરુણ મોત નીપજ્યા હતા,
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાવા મળે છે કે, જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા લક્ષ્મીકાંતભાઈ ભુદરજીભાઈ સોંડાગર (ઉં. વ. 41) ને નવી કારની ખરીદી કરવાની હોવાથી પોતાના મોટર સાયકલ પર બેસીને કાલાવડથી જામનગર તરફ આવી રહ્યા હતા, અને તેઓએ પોતાની સાથે બાઈકમાં પોતાના જ બનેવી રાજેશભાઈ રતિલાલભાઈ ગંગાજળિયા ( ઉ.વ.45) ને પાછળ બેસાડ્યા હતા.બંને બપોરેના ટાણે કાલાવડ જામનગર રોડ પર ઠેબા ચોકડી પાસે પહોંચ્યા હતા, તે દરમિયાન જામનગર તરફથી ફુલ સ્પીડમાં આવી રહેલી જી.જે-10 ડી.જે.7235 નંબરની ઇકો કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સાળો-બનેવી બંને ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ ગયા હતા, અને તેઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલાં જ બંનેના મૃત્યુ નીપજ્યા હતા
આ અકસ્માતના બનાવ અંગે મૃતક લક્ષ્મીકાંતભાઈના કાકા દિનેશભાઈ રણછોડભાઈએ જામનગરના પંચકોસી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે તેમજ જામનગરની જી.જી. હોસ્પિટલે દોડી ગઇ હતી અને બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત ઇકો કારના ચાલક સામે ગુનો નોંધી તેની શો ખોળ હાથ ધરી છે.