વડોદરા ડભોઈ રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત
• બાઈકચાલક પેટ્રોલ ભરાવીને જતો હતો ત્યારે જ ટ્રકે અડફેટે લીધો,
• ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી,
• ટ્રકચાલક ટ્રક મુકીને ભાગી ગયો
વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વડોદરા-ડભોઈ રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ડભોઇ રોડ ઉપર વહેલી સવારે બાઈકસવાર યુવકનું ટ્રકની અડફેટે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. આ બનાવની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવને લીધે લોક ટોળા એકઠા થયા હતા. બનવા અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વહેલી સવારે વડોદરા ડભોઇ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. બાઈકસવાર યુવક બાઈકમાં પેટ્રોલ પુરાવી જતો હતો તે દરમિયાન ટ્રકચાલકે યુવકને અડફેટે લેતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ડભોઇ પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાના સ્થળે પહોંચી હતી. જો કે યુવક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે પોલીસ સૂત્રોના કહેવા મુજબ બાઈકસવાર યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રકે અડફેટે લેતા તે દસ ફૂટ જેટલો દૂર સુધી ઢસડાયો હતો અને શરીરના પેટના ભાગેથી નીચેના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં યુવક કોણ છે અને ક્યાં જતો હતો તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ અકસ્માતના પગલે ટ્રક અને બાઇક બંને બાજુમાં ખાડામાં ઉતરી ગયા હતા અને યુવક 10 ફૂટ ઢસડાઈ દૂર પડ્યો હતો. અકસ્માત સર્જાયો છે તે વિસ્તારમાં રીતસર લોહીની લીસોટા જૉવા મળ્યા હતા. હાલમાં આ સમગ્ર બનાવને લઈને ડભોઇ પોલીસે ટ્રક ચાલક કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. સાથે જ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.