રાજકોટના શપર-વેરાવળમાં 5 વર્ષની બાળકીને શ્વાને બચકા ભરી લોહીલૂહાણ કરતા મોત
- મધ્યપ્રદેશથી બાળકી પરિવાર સાથે દાદાના ઘેર રોકાવા માટે આવી હતી,
- પોતાના ઘર પાસે બાળકી રમતી હતી ત્યારે શ્વાને હુમલો કર્યો,
- બાળકીને હોસ્પિટલ ખસેડ્યા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું
રાજકોટઃ શહેર નજીક શાપર-વેરાવળમાં ઘર પાસે રમતી એક 5 વર્ષની બાળકી પર રખડતા શ્વાને હુલો કરીને બચકા ભરતા બાળકીને લોહી-લૂહાણ હાલતમાં સારવાર માચે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. ચાર દિવસ પહેલાં જ મધ્યપ્રદેશથી પરિવાર સાથે દાદાના ઘરે રોકાવા માટે આવેલી પાંચ વર્ષની બાળકીના મોતથી ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.. સવારે બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે અચાનક શ્વાને હુમલો કર્યો હતો. બાળકીની પછાડી દઇ ગળાના ભાગે બચકું ભરી લેતા તેણીને સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી.
રાજકોટ નજીક આવેલા શાપર-વેરાવળમાં રખડતા કૂતરાનો છેલ્લા ઘણા વખતથી ત્રાસ જોવા મળે છે. કૂતરા કરડવાના સૌથી વધુ બનાવો આ વિસ્તારમાં બની રહ્યા છે. ત્યારે શાપર-વેરાવળમાં ભૂમિ ગેટ નજીક ગોલ્ડન સ્ટાર કંપની પાસે સવારે વિરલ અંબુભાઇ વિણામા(ઉ.વ.5) નામની બાળા રમી રહી હતી. ત્યારે અચાનક શ્વાન ધસી આવ્યું હતું અને બાળા પર હુમલો કરતાં તે પડી ગઇ હતી. આ પછી શ્વાને બાળકીના ગળા પર બચકું ભરી લેતા બાળકીએ રાડારાડ કરી મૂકી હતી. સ્થળ પર લોકોનું ટોળું એકઠું થઇ જતાં શ્વાન ત્યાંથી ભાગી ગયું હતું. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે શાપર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર લીધા પૂર્વે જ તેણીએ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૃત્યુ પામનાર બાળકી વિરલના પિતા મધ્યપ્રદેશમાં ખેત મજૂરી કરે છે. બાળકી ચાર દિવસ પૂર્વે જ મધ્યપ્રદેશથી શાપર-વેરાવળ રહેતાં તેના દાદા મુકેશભાઇ ભુરાભાઇના ઘરે રોકાવા માટે આવી હતી. ઘટનાસ્થળે દરરોજ શ્વાન રોટલી ખાવા આવતા હોય છે. મૃત્યુ પામનાર બાળા અન્ય સખી સાથે રમતી હતી ત્યારે રોટલી ખાવા દરરોજ આવતાં શ્વાનમાના એક શ્વાને જ બાળાને બચકું ભરી લીધું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી ધોરણસરની તપાસ હાથ ધરી હતી. બનાવથી મૃતકના ઘરમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. (File photo)