સોમનાથમાં હવે 27મી નવેમ્બરથી 5 દિવસનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે
- ભાવિકો વ્યાપક હિતમાં કાર્તિક પૂર્ણિમા મેળોની તારીખોમાં ફેરફાર કરવાનો ટ્રસ્ટનો નિર્ણય,
- પહેલા કાર્તિકી પૂર્ણિમાંનો મેળો 1લી નવેમ્બરથી યોજાવાનો હતો,
- હવે વરસાદી માહોલને લીધે તા.27 નવેમ્બરથી કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે,
સોમનાથ: બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના સાનિધ્યમાં વર્ષ 1955થી પ્રતિવર્ષ યોજાતો પરંપરાગત કાર્તિક પૂર્ણિમા લોકમેળો અગાઉ તા.1 થી 5 નવેમ્બર 2025 સુધી નિર્ધારિત કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રવર્તમાન અસામાન્ય હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, સોમનાથ ટ્રસ્ટ દ્વારા તા.27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 દરમિયાન યોજવાનો મહત્વપૂર્ણ અને જનહિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે.
સોમનાથ મંદિર સપૂર્ણ થયું અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું તે પુણ્ય દિન એટલે સંકલ્પ સિદ્ધિ દિવસ પર મેળાનું સમાપન થશે. કાર્તિકી પૂર્ણિમા પર્વે ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જેથી મુલાકાતીઓ, સ્ટોલ ધારકો અને વેપારીઓના સમગ્રલક્ષી હિતને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સોમનાથ ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે કે, તા.01/11/2025 થી તા.04/11/2025 સુધી એટલેકે કાર્તિકી એકાદશી (દેવ ઊઠી એકાદશી) થી કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વ સુધી સોમનાથ મંદિરના દર્શન, પૂજા-વિધિ અને આરતીના કાર્યક્રમો નિર્ધારિત સમય મુજબ યથાવત રહેશે તેમજ દર્શનનો સમય 1 કલાક વધારીને રાત્રિના 11:00 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. તેમજ તા.05/11/2025 ના રોજ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રે 12:00 વાગ્યે શ્રી સોમનાથ મહાદેવની મહાઆરતી યોજાશે અને રાત્રે 01:00 વાગ્યા સુધી મંદિરમાં દર્શનનો લાભ મળશે. અન્ય કોઈ પણ માહિતી કે વિશેષ અપડેટ માટે, સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ somnath.org અને ટ્રસ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપર્કમાં રહેવા વિનંતી છે.